નવી દિલ્હી: કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે સોમવારે દિલ્હીની તમામ રાજકીય પક્ષોની સાથે કોવિડ-19ની સ્થિતિની સમીક્ષા કરવા માટે બેઠક બોલાવી છે. એક અધિકારીએ આ માહિતી આપી હતી. આ બેઠક માટે ભાજપ, કોંગ્રેસ, આપ અને બસપાને આમંત્રણ આપવામાં આવ્યું છે.
દિલ્હીમાં કોવિડ-19ના કેસની સંખ્યા 39 હજાર પર પહોંચી ગઈ છે અને આ રોગચાળાને કારણે 1,200થી વધુ લોકોના મોત નીપજ્યાં છે. ગૃહ મંત્રાલયના એક અધિકારીએ કહ્યું કે, શાહ રાજકીય પક્ષો સાથે કોવિડ-19 સાથે કેવી રીતે બચી શકાય તેના ઉપાયો માટે ચર્ચા કરશે.
ગૃહમંત્રીએ રવિવારે રોગચાળા માટે બનાવામાં આવેલી વ્યૂહરચનાને વધુ મજબૂત બનાવવા માટે દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર અનિલ બૈજલ, મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ, કેન્દ્રીય આરોગ્ય પ્રધાન હર્ષ વર્ધન, દિલ્હીના ત્રણ મહાનગરપાલિકાઓના મેયર અને કમિશનર સાથે બે ઉચ્ચ-સ્તરની બેઠક યોજી હતી.
બેજલ અને કેજરીવાલ સાથેની બેઠક બાદ શાહે કહ્યું કે, આગામી બે દિવસમાં શહેરમાં કોવિડ-19 તપાસની સંખ્યા બમણી કરવામાં આવશે જે બાદ તેમાં વધારો કરી ત્રણગણી કરવામાં આવશે.
દિલ્હી કોંગ્રેસ અધ્યક્ષ અનિલકુમાર ચૌધરીએ ટિ્વટ કરીને કહ્યું કે, "મને કેન્દ્રીય ગૃહ મંત્રાલય તરફથી સંદેશ મળ્યો છે કે, કોવિદ-19ની સ્થિતિને લઈને સોમવારે દિલ્હી અને આખા દેશમાં સર્વપક્ષીય બેઠક બોલાવવામાં આવી છે."
સુપ્રીમ કોર્ટે શનિવારે દિલ્હી સરકારને કહ્યું હતું કે, દેશમાં દિલ્હી એકમાત્ર એવું રાજ્ય છે કે, જેમણે બીજા બધા રાજ્યોની તુલનામાં કોવિડ-19ના તપાસની સંખ્યામાં ઘટાડો કર્યો છે.