નવી દિલ્હીઃ બિહાર અને આસામમાં નદીના પાણી સ્તર જોખમી રીતે વધવાને કારણે કેન્દ્ર સરકાર સાવચેત થઈ ગઈ છે. કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે રવિવારે બન્ને રાજ્યોના મુખ્ય પ્રધાનો સાથે ટેલીફોનિક વાતચીત કરી હતી. આ દરમિયાન કેન્દ્ર સરકાર તરફથી પુરતી સહાય કરવામાં આવશે તેવું આશ્વાસન અમિત શાહે આપ્યું છે. મોદી સરકાર બિહાર અને આસામની જનતા સાથે છે.
શાહે બિહારમાં મહાનંદા નદીની વધતી જતી જળ સપાટીને ધ્યાનમાં રાખીને બિહારના મુખ્ય પ્રધાન નીતીશ કુમાર સાથે રવિવાર બપોરે વાતચીત કરી હતી. અમિત શાહે ટ્વીટર પર પોસ્ટ કરી જણાવ્યું કે, બિહારમાં મહાનંદા નદીના વધતી જતી જળ સપાટીને ધ્યાનમાં રાખીને મુખ્ય પ્રધાન નીતીશ કુમાર સાથે વાત કરી હતી. તેમને બિહારની જનતાને બનતી મદદ કરવાની તૈયારી દર્શાવી છે.
આસામમાં બ્રહ્મપુત્રા નદી જળ સપાટી ભયજનક રીતે વધી રહી છે. જે કારણે રાજ્ય સરકારની ચિંતાને ધ્યાનમાં રાખીને ગૃહ પ્રધાન શાહે મુખ્ય પ્રધાન સર્વાનંદ સોનેવાલ અને આરોગ્ય પ્રધાન હેમંત બિસ્વા શર્મા સાથે વાત કરી હતી. આ વતચીત દરમિયાન તેમને પરિસ્થિતિ વિશે જાણકારી મેળવી હતી.
ગૃહ પ્રધાને અન્ય ટ્વિટ કરીને જણાવ્યું હતું કે, આસામના મુખ્ય પ્રધાન સર્વાનંદ સોનેવાલ અને હેમંત બિસ્વા શર્મા સાથે વાત કરી હતી. તેમની પાસેથી બ્રહ્મપુત્રા નદી અને ગુવાહાટીમાં થયેલા ભૂસ્ખલન વિશે માહિતી મેળવી હતી. આસામની જનતાનીને શક્ય તમામ મદદની ખાતરી આપવાની સાથે મોદી સરકાર ખડેપગે ઉભી છે તેવો દિલાસો આપ્યો હતો.