અમદાવાદઃ આવતી કાલે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સહપરિવાર સાથે અમદાવાદની મુલાકાતે આવવાના છે. ટ્રમ્પની ભારત મુલાકાત દરમિયાન કેટલીક ડીલ પર હસ્તાક્ષર પણ થશે. ડોનાલ્ડ ટ્રમ્પ અમદાવાદ ઉપરાંત દિલ્હીની મુલાકાત પણ લેવાના છે. ટ્રમ્પની મુલાકાતને લઈને હાલ અમદાવાદ શહેરમાં જોરશોરથી તૈયારીઓ ચાલી રહી છે. આ ઉપરાંત તેમની સુરક્ષાને લઈને પણ તડામાર તૈયારીઓ ચાલી રહી છે.
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ હવાઈ માર્ગે અમદાવાદ ઍરપૉર્ટ પર આવશે. જે બાદ વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ટ્રમ્પ ઍરપૉર્ટથી 22 કિલોમિટર લાંબો રોડ શો યોજશે. ટ્રમ્પ અમદાવાદમાં બની રહેલા મોટેરા સ્ટેડિયમમાં ઉપસ્થિત જંગી જન મેદનીની હાજરીમાં કાર્યક્રમ યોજાશે. જેની સુરક્ષાને લઈને દેશની તમામ એજન્સીઓ તથા સ્થાનિક પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત જોવા મળી રહ્યો છે.
ક્રિકેટ સ્ટેડિયમમાં તમામ એજન્સીઓ દ્વારા ચૂસ્ત સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે જે જોતા લાગી રહ્યું છે કે સુરક્ષા કર્મીઓની મંજૂરી વગર ચકલુ પણ ફરકી શકે તેમ નથી. આ ઉપરાંત સ્ટેડિયમની અંદરના વિસ્તારમાં કોઈપણ વ્યક્તિને પાસ વિના પ્રવેશ આપવામાં આવતો નથી. તેમજ જે રૂટ પરથી ડોનાલ્ડ ટ્રમ્પ અને મોદી પસાર થવાના છે તે તમામ જગ્યાના રેસિડેન્ટ એરિયાનું સ્કેનિગ કરવામાં આવ્યું હતું.
ગુજરાત પોલીસ અને અન્ય સુરક્ષાદળો અને એજન્સીઓ દ્વારા અમદાવાદના આ મહત્વના ખાસ મહેમાનોની સુરક્ષા માટેની જોરદાર તૈયારીઓ કરવામાં આવી છે. જેમાં ટ્રમ્પની મુલાકાત દરમિયાન IPS અધિકારીઓ, ACP કક્ષાના અધિકારીઓ, પોલીસ ઇન્સ્પેક્ટર, પોલીસ સબઇન્સ્પેક્ટર સહિત 10,000 જેટલા પોલીસકર્મચારીઓ સાથે દેશની તમામ એજન્સીઓ જેમાં IB, વાયુ સેના, ભારતીય નૌકાદળ, NSG કમાન્ડોને સુરક્ષાવ્યસ્થા માટે ખડેપગે જોવા મળી રહ્યા છે. ઍરપૉર્ટ, રોડ શો, ગાંધી આશ્રમ અને મોટેરા સ્ટેડિયમ માટે પાંચ મોટી સુરક્ષા ટુકડીઓ બનાવવામાં આવી છે. આ સાથે જ NSGના સુરક્ષાકર્મચારીઓ અને NSGના ઍન્ટિ-સ્નાઇપરની એક ખાસ ટુકડી ગુજરાત પોલીસની સુરક્ષાને વધુ મજબૂતી બક્ષશે. આ ઉપરાંત બૉમ્બ ડિટેક્શન અને ડિસ્પૉઝલની ટીમો પણ ખડેપગે હશે. આ સાથે બે ડૉગ-સ્કવૉડ પણ સુરક્ષા વ્યવસ્થામાં જોડાશે.
રોડ શોના રસ્તા પર શંકાસ્પદ મામલાઓ પર ધ્યાન રાખવા માટે CCTV કૅમેરા લગાવવામાં આવ્યાં છે અને તેના દ્વારા રોડ શો પર નજર રાખવામાં આવશે. આ સાથે જ મોટેરા સ્ટેડિયમમાં પણ CCTV કૅમેરાની મદદ લેવામાં આવશે. સમગ્ર ઇવેન્ટ પર નજર રાખવા માટે સ્પેશિયલ વાયરલેસ ફ્રિક્વન્સીનો ઉપયોગ કરવામાં આવશે. આ ઉપરાંત મોટેરા સ્ટેડિયમની પાસે ઍન્ટિ-ડ્રૉન ટીમ પણ હાજર રહેશે. એ શંકાસ્પદ ફ્લાઇંગ ઑબ્જેક્ટને તાત્કાલિક ધોરણે નીચે પાડવા માટે સક્ષમ હશે. ટ્રમ્પની સુરક્ષામાં અમેરિકાની સિક્રેટ સર્વિસ પણ સામેલ હશે અને તેના જવાનો સતત ડોનાલ્ડ ટ્રમ્પની સાથે હશે. આ ઉપરાંત આટલા લોકો પર નજર રાખવા માટે સ્ટેડિયમમાં આશરે 200 જેટલા CCTV કૅમેરાની મદદ લેવામાં આવશે. મોટેરા સ્ટેડિયમમાં જવા માટે 120 જેટલા ઍન્ટ્રી પૉઇન્ટ સેટઅપ કરવામાં આવશે.
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના સહપરિવાર આગમનને હવે 24 કલાક જેટલો સમય જ બાકી રહ્યો છે, ત્યારે સ્ટેડિયમ ખાતે સુરક્ષાકર્મીઓ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવી સતત પેટ્રોલીંગ કરવામાં આવી રહ્યું છે. સુરક્ષા જવાનો દ્વારા ઊંટ પર પેટ્રોલીંગ પણ કરાયું હતું, જ્યારબાદ ફુટ પેટ્રોલીંગ પણ કરાય રહ્યું છે. સ્ટેડિયમ ખાતે સમગ્ર દેશની તમામ એજન્સીઓ સુરક્ષામાં કોઈ પણ કચાશ ન રહી જાય તે માટે પ્રયાસો હાથ ધરી રહી છે ત્યારે વાયુ સેના દ્વારા પણ સતત હેલિકોપ્ટરથી તેમજ સેનાના જવાનો દ્વારા ફુટ પેટ્રોલિંગ હાથ ધરાય રહ્યું છે.
આજે એક દિવસ પહેલા બીએસએફના જવાનોએ ઊંટ સાથે પેટ્રોલિંગ કર્યું હતું. જ્યારે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે પણ સ્ટેડિયમ અને ગાંધી આશ્રમની મુલાકાત કરીને સુરક્ષાની તમામ બાબતો ચકાસી હતી. ઉલ્લેખનીય છે કે, કોઈપણ પ્રકારની કચાસ ન રહી જાય તે માટે તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ પૂર્ણ કરી દીધી છે. જેની સમીક્ષા માટે આજે દેશના ગૃહપ્રધાન અમિત શાહ પણ મુલાકાત કરી હતી.
મહત્વનું છે કે, આ કાર્યક્રમને ધ્યાનમાં લઈને રાજ્યના ઉચ્ચ પોલીસ અધિકારીઓ તથા કેન્દ્રની તમામ સુરક્ષા એજન્સીઓ કામે લાગી ગઈ છે. કોઈ જ પ્રકારની કચાસ ન રહી જાય તે માટે તમામ પ્રકારની તૈયારી પણ ને આખરી ઓપ આપવામાં આવી રહ્યું છે. મહત્વનું છે કે, અમેરિકાના એરફોર્સ દ્વારા પણ તેમની આસપાસના વિસ્તારમાં દિવસમાં ચારથી પાંચ વખત એર પેટ્રોલીંગ પણ કરવામાં આવી રહ્યું છે, જ્યારે SPG દ્વારા પણ અનેક વખત સોના રોડ ઉપર પણ રિહર્સલ કરવામાં આવ્યું હતું.
આમ, આવતીકાલે વિશ્વના મોટા બે નેતા અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ધ્યાનમાં લઇને તમામ પ્રકારના સુરક્ષા રાખવામાં આવી છે. જ્યારે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ઇન્ટરનેશનલ બોર્ડર ક્રોસ કરીને ઇન્ડિયાની બોટલમાં પ્રવેશ કરશે, ત્યારે તેઓને એરફોર્સના ખાસ વિમાન દ્વારા સુરક્ષા પુરી પાડવામાં આવશે, તેવું પણ સૂત્રો તરફથી જણાવા મળ્યું હતું.