નવી દિલ્હી: દેશભરમાં પ્રવાસી મજૂરોના સ્થળાંતર મામલે દાખલ કરાયેલી અરજી પર સુપ્રીમ કોર્ટ સોમવારે સુનાવણી હાથ ધરશે. સુપ્રીમ કોર્ટમાં જનહિત અરજી દાખલ કરીને દિશા-નિર્દેશ જાહેર કરવાની માગ કરવામાં આવી હતી.
વકીલ અલખ આલોક શ્રીવાસ્તવે આ અરજીમાં કહ્યું છે કે, કોરોનાને કારણે લૉકડાઉન થવાથી હજારોની સંખ્યામાં પ્રવાસી મજૂર પોતાના પરિવાર સાથે સેંકડો કિલોમીટર ચાલી રહ્યા છે. જેમાં વૃદ્ધો, બાળકો, મહિલાઓ અને દિવ્યાંગોનો પણ સમાવેશ છે. તેમની પાસે ન તો રહેવાની સુવિધા છે અને ન તો કોઇ ટ્રાન્સપોર્ટની સુવિધા. એવામાં સુપ્રીમ કોર્ટ દેશભરમાં પ્રશાસનનો આદેશ આપે અને આ લોકોને શેલ્ટર હોમમાં રાખીને સુવિધાઓ આપવામાં આવે.
તમને વધુમાં જણાવીએ તો કોરોના વાઇરસની મહામારીનો સંકટ દેશમાં વધી રહ્યું છે. સોમવાર સવાર સુધીમાં દેશમાં કોરોના વાઇરસથી પીડિતોની સંખ્યા 1000ને પાર થઇ હતી.
આ ઉપરાંત લૉકડાઉનને કારણે મજૂરો રસ્તાઓ પર ઉભરી આવ્યા છે. આ તમામ લોકો પગપાળા જ પોતાના ઘર તરફ વળ્યા છે. ડૉકટરોએ ચેતવણી આપી છે કે, લૉકડાઉનમાં લોકોને એકસાથે કરવાથી કોરોના વાઇરસની મહામારી સામુદાયિક સંક્રમણનો મોટો ભય છે.