સુપ્રીમ કોર્ટમાં મહારાષ્ટ્રના રાજકીય ડ્રામા અંગે ચાલી રહેલી સુનાવણીમાં શિવસેના, કોંગ્રસ અને એનસીપી અને સામાપક્ષે સરકારના વકીલ વચ્ચે દલીલો થઈ હતી. જ્યાં ઉગ્ર રજૂઆતો કર્યા બાદ સુપ્રીમ કોર્ટે આવતીકાલે 10ઃ30 કલાકે ચુકાદો આપવાનો નિર્ણય લીધો છે.
સુનાવણી દરમિયાન સુપ્રીમે તમામ પક્ષકારોને ટકોર કરતા એમ પણ કહ્યું કે, ચુકાદો આપવાનું સુપ્રીમ કોર્ટ પર છોડી દો. આવતીકાલે આવનારા ચુકાદામાં ફ્લોર ટેસ્ટે અંગે નિર્ણય જાહેર થાય તેવી શક્યતાઓ છે.
સરકાર તરફથી સોલિસિટર જનરલ તુષાર મહેતા પક્ષ રજૂ કર્યો હતો. રાજ્યપાલ વતી તેઓ તમામ દલીલો કરી રહ્યાં છે. ત્રણ જજની બેંચ હાલ આ મુદ્દે સુનાવણી કરવા બેઠી છે. તેમણે પોતાની દલીલમાં કહ્યું કે, રાજ્યપાલે શિવસેના અને NCPને પણ સરકાર બનાવવાનો સમય આપ્યો હતો. રાજ્યપાલે ઘણો સમય આપ્યો. અમારી પાસે સમર્થન પત્ર છે. તુષાર મહેતાએ પક્ષકારોની અરજી સામે વાંધો ઉઠાવ્યો. અમે જે પત્ર આપ્યો તેમાં બંને પક્ષોના ધારાસભ્યોની સહમતિનો પત્ર છે. અજીત પવારની ચિઠ્ઠીમાં 54 ધારાસભ્યોની સહી છે.
શિવસેના તરફથી કપિલ સિબ્બલ અને અભિષેક મનુ સિંઘવીએ કોંગ્રેસ-એનસીપી તરફથી કરી દલીલ
શિવસેના તરફથી કપિલ સિબ્બલે દલીલ કરતા કહ્યું કે, રાષ્ટ્રપતિ શાસન હટાવ્યા બાદ શપથ અપાવવાની ઈમરજન્સી શું હતી? સવારે 5.17 વાગે રાષ્ટ્રપતિ શાસન હટ્યું એનો અર્થ એ થયો કે પહેલાંથી જ બધુ નક્કી હતું. ફ્લોર ટેસ્ટ 24 કલાકની અંદર જ થવો જોઈએ. હવે નવા અવસર દરવાજો ખખડાવી રહ્યા છે. દિવસના અજવાળામાં ફ્લોર ટેસ્ટ થવો જોઈએ.
અભિષેક મનુ સિંઘવીએ કોંગ્રેસ-એનસીપી તરફથી દલીલ કરી કે, જ્યારે બંને ગ્રૂપ ફ્લોર ટેસ્ટ ઈચ્છે છે તો વાર કેમ? લોકતંત્ર સાથે દગાખોરી કરવામાં આવી રહી છે. ભાજપ ગઠબંધને આ કોર્ટને જણાવ્યું છે કે, તેમની પાસે એનસીપીના 54 ધારાસભ્યોનો પત્ર છે. જેમાં અજીત પવારને ધારાસભ્ય પક્ષના નેતા પસંદ કરવામાં આવ્યા છે. આ પત્રો પર ભાજપને સમર્થન આપવાના હેતુથી સહી કરવામાં આવી નથી.
સુપ્રીમ કોર્ટે સિંઘવીને કહ્યું કે, 154 ધારાસભ્યોની એફિડેવિટ સાથે દાખલ કરવામાં આવેલી અરજી પરત લે. કારણ કે, તે ભાજપને પરત કરવામાં નથી આવી. તમે કોર્ટમાં પણ જે કોપી દાખલ કરો તેની બીજી કોપી તમારે બીજા પક્ષને પણ આપવી જોઈએ. તમે અરજી દાખલ કરવાનો સમયગાળો આ રીતે ન વધારી શકો. ત્યારપછી સિંઘવીએ નવી અરજી પરત લઈ લીધી હતી.
મહારાષ્ટ્ર મુદ્દે કોર્ટના અપડેટ
- સોલિસીટર જનરલ તુષાર મહેલાએ મહારાષ્ટ્રના રાજ્યપાલનો પક્ષ રજૂ કર્યો હતો.
- જ્યારે મુકુલ રોહતગીએ દેવેન્દ્ર ફડણવીસનો પક્ષ રાખ્યો હતો.
- સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે, મોટા ભાગના કેસમાં 24 કલાકની અંદર જ ફ્લોર ટેસ્ટ થયો છે. જેની પાસે બહુમતી છે એ સાબિત કરે.
- સોલિસિટર જનરલ તુષાર મહેતાએ પણ કહ્યું છે કે, અમને વધારે સમયની જરૂર છે.
- કેન્દ્ર તરફથી રજૂ થયેલા સોલિસિટર જનરલ તુષાર મહેતાએ મહારાષ્ટ્ર ગર્વનર અને મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસનો પત્ર સુપ્રીમ કોર્ટને સોંપ્યો છે.
- તુષાર મહેતાએ કહ્યું કે, રાજ્યપાલે 9 નવેમ્બર સુધી રાહ જોઈ. 10 તારીખે શિવસેનાને પુછ્યું તો તેમણે સરકાર બનાવવાનીના પાડી. 11 નવેમ્બરે એનસીપીએ ના પાડી, ત્યારબાદ રાષ્ટ્રપતિ શાસન લગાવાયું.
- સુપ્રીમ કોર્ટે કહ્યું કે, શિવસેના-એનસીપી અને કોંગ્રેસની સરકારના ગઠબંધનને બોલાવવાની અરજી પર વિચાર નથી કરી રહ્યા.
- તુષાર મહેતાએ દલીલ કરતા કહ્યું કે, રાજ્યપાલની ઓરિજિનલ કોપી છે. જેમાં 54 ધારાસભ્યોની સહી છે. અજીત પવારે રાજ્યપાલને જે પત્ર સોંપ્યો તેમાં 54 ધારાસભ્યોની સહી છે.
- અજીતે ચિઠ્ઠીમાં પોતાને એનસીપી ધારાસભ્યના નેતા ગણાવ્યા હતા.
- રાજ્યપાલને પોતાને મળેલા પત્રની તપાસ કરવાની જરૂર નથી.
- દેવેન્દ્ર ફડણવીસને સરકાર ગઠન માટે બોલાવવાનો નિર્ણય તેમની સામે રજૂ કરવામાં આવેલા દસ્તાવેજોના આધારે કરવામાં આવ્યો હતો.
- સુપ્રીમ કોર્ટમાં દેવેન્દ્ર ફડણવીસનો પક્ષ રજૂ કરનાર મુકુલ રોહતગીએ કહ્યું કે, દેવેન્દ્ર ફડણવીસ, અજીત પવાર પાસે જે ધારાસભ્યોનું સમર્થન પત્ર છે મેં તે જોયું છે. રાજ્યપાલ તરફથી સરકાર બનાવવાનું જે આમંત્રણ આપવામાં આવ્યું છે તે યોગ્ય છે.
રવિવારે સુપ્રીમ કોર્ટની નોટીસો બાદ પણ ભાજપ દ્વારા સરકાર ગઠન કરવાના દાવા યથાવત્ રહ્યા હતા. ભાજપના નેતાઓએ આ મુદ્દે પ્રતિક્રિયા આપતા પોતાની પાસે બહુમતિ હોવાનું રટણ કર્યુ હતુ. બીજીતરફ શિવસેના, એનસીપી અને કોંગ્રેસ પણ સચેત થતા ધારાસભ્યોને ફાઈવ સ્ટાર હૉટલોમાં ટ્રાન્સફર કરી દેવાયા હતાં. તેમજ એનસીપી અને શિવસેના સહિતના તમામ ધારાસભ્યો એકજૂઠ થઈને સરકાર બનાવશે તેવા દાવા કરાયા હતા.
ઉપરાંત એનસીપીના ધારાસભ્યોને જે હૉટલમાં રખાયા હતા, ત્યાં પોલીસકર્મીઓ સાદા વેશમાં જાસૂસી કરી રહ્યાં હોવાની શંકા જતા તમામ એમ.એલ.એ.ને હૉટલ હયાતમાં ખસેડાયા હતા.
શિવસેના, કોંગ્રેસ અને એનસીપીએ માગ કરી છે કે તાત્કાલિક ધોરણે ફ્લોર ટેસ્ટ કરાવવામાં આવે, બીજીતરફ ભાજપ કયા ગેમ પ્લાન સાથે સુપ્રીમ અને વિધાનસભા સમક્ષ આવશે તેની પર સૌની નજર મંડરાયેલી છે.