નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે આજે બુધવારે કેન્દ્ર સરકારને આદેશ આપ્યો છે કે, કોરોના સમયગાળા દરમિયાન સતત કાર્યરત ડૉક્ટર્સ અને આરોગ્ય કર્મચારીઓને યોગ્ય રહેઠાણ, સુવિધાઓ અને તેમના પગારની ચૂકવણી કરવામાં આવે તે સુનિશ્ચિત કરવા તમામ રાજ્યોને પૂછવા જણાવ્યું છે. ગુરુવાર સુધીમાં કેન્દ્રને આ માટે ઓર્ડર આપવા જણાવ્યું છે. કેન્દ્રના આદેશોનું કોઈપણ ઉલ્લંઘન એ ગુનો હશે.
જસ્ટિસ અશોક ભૂષણની અધ્યક્ષતાવાળી બેન્ચે એમ પણ કહ્યું હતું કે, કોરોના પોઝિટિવ દર્દીઓના સંપર્કમાં આવતા ડૉક્ટર્સ અને આરોગ્ય કર્મચારીઓને શરૂઆતમાં એક અઠવાડિયા માટે અલગ રાખવામાં આવશે.
કેન્દ્રએ આને લઇને સંમતિ આપતા કોર્ટને કહ્યું હતું કે, તે 15 મેના તેના અગાઉના આદેશમાં સુધારો કરશે, જેમાં તમામ આરોગ્ય કર્મચારીઓને ફરજિયાત રૂપે ક્વોરેન્ટાઇન કરવામાં આવતા હતા. કેન્દ્રએ એમ પણ કહ્યું હતું કે તે એક નવો આદેશ બહાર પાડશે જેમાં એમ કહેવામાં આવ્યું છે કે, આરોગ્ય કર્મચારીઓ માટે સાત દિવસ માટે ક્વોરેન્ટાઇન રાખવું ફરજિયાત છે.
સૉલિસિટર જનરલ તુષાર મહેતાએ પણ કોર્ટને માહિતી આપી હતી કે, કેન્દ્ર દ્વારા પગારની ચૂકવણી અંગે એક પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે અને હવે રાજ્યના મુખ્ય સચિવોએ ચૂકવણીની ખાતરી કરવી પડશે. આ સાથે, કેન્દ્રને કોર્ટના નિર્દેશો પર પાલન અહેવાલ ત્રણ અઠવાડિયામાં સુપરત કરવા કહેવામાં આવ્યું છે.