બરેલી: જિલ્લાના શાહી વિસ્તારના હલ્દીકલા ગામના નાગા બાબા મંદિરના પૂજારીને માર મારીને હત્યા કરવાનો મામલો પ્રકાશમાં આવ્યો છે. પોલીસને સાધુનો મૃતદેહ ગામની બહાર આવેલી એક ઝાડીમાંથી મળી આવ્યો હતો. એવું કહેવામાં આવી રહ્યું છે કે, નાગા બાબા સૂરજગીરી અહીંના પ્રાચીન મંદિરમાં 25 વર્ષથી રહેતા હતા અને ભગવાનની પૂજા કરતા હતા.
શનિવારે મોડી રાત્રે પોલીસ અને સૈન્ય માટે તૈયારી કરી રહેલા કેટલાક છોકરાઓ દોડ લગાવી રહ્યા હતા. તેમણે ગામલોકોને કહ્યું કે સાધુ સાથે કોઇનો ઝગડો થઇ રહ્યો છે. સાધુ સાથે અમુક લોકો દુર્વ્યવહાર કરી રહ્યા છે. માહિતી મળતા તમામ ગ્રામજનો ઘટના સ્થળે પહોંચી ગયા હતા. બાબા સૂરજ તેમને તે સ્થળે મળ્યા ન હતા. આ પછી ગામનાલોકોએ આસપાસમાં તપાસ શરૂ કરી હતી. ગ્રામજનો દ્વારા 112 નંબર પર કોલ કરી પોલીસને ઘટનાની જાણકારી આપી હતી.
જે બાદ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને તપાસ શરૂ કરી હતી. સાધુનો મૃતદેહ નજીકમાં આવેલા એક તળાવની પાસે ઝાડીમાંથી મળી આવ્યો હતો. પુજારીના શરીર પર ઈજાઓ પણ મળી હતી. પોસ્ટ મોર્ટમ રિપોર્ટ અનુસાર તેમને ખુબ ખરાબરીતે મારમારવામાં આવ્યા હતો જેથી તેમની પાંસળી પણ તૂટી ગઈ હતી. તેના માથા પર પણ ઈજા હતી. ગ્રામીણ એસપીના જણાવ્યા મુજબ હત્યાનો ગુન્હો નોંધવામાં આવ્યો છે અને આરોપીની શોધખોળ શરૂ કરવામાં આવી છે. છેલ્લા 4 માસમાં ઉત્તરપ્રદેશમાં 5 સાધુની હત્યા કરવામાં આવી છે.