મુંબઈ: કોરોનો વાઇરસ સામે રસી બનાવીને રશિયાએ આત્મનિર્ભરતાનો પહેલો પાઠ આપ્યો છે. શિવસેનાના સાંસદ સંજય રાઉતે રવિવારે કહ્યું કે, ભારત હજી પણ 'ભાભીજી પાપડ' જેવા અનોખા નુસ્ખા વેચવામાં વ્યસ્ત છે. તેમણે ઉમેર્યું, "રશિયા હિંમતભેર આગળ વધ્યું અને વિશ્વમાં પ્રથમ કોવિડ-19ની રસી લાવ્યું. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને પણ તેની પુત્રીને આ દવાની અસરકારકતા પર દેશનો વિશ્વાસ જીતવા માટે રસી લગાવવા માટે કહ્યું હતું.
સંજય રાઉતે શિવસેનાના મુખપત્ર સામનાની કોલમ 'રોકટોક'માં કહ્યું હતું કે, ભારતમાં કેન્દ્રીય ભારે ઉદ્યોગ રાજ્યપ્રધાન અર્જુનરામ મેઘવાલે જાહેરમાં દાવો કર્યો હતો કે 'ભાભીજી પાપડ'નું સેવન કરવાથી કોવિડ સામે પ્રતિરોધક ક્ષમતા વધશે. તેઓ પોતે જ સંક્રમિત થઇ ગયા છે.
આયુષ મંત્રાલય પર હુમલો કરતા તેમણે કહ્યું કે, તેમણે દાવો કર્યો હતો કે, આયુર્વેદિક દવાઓ કોરોના સામે અસરકારક રહેશે, પરંતુ હવે આયુષ પ્રધાન શ્રીપદ નાઇકને પણ ચેપ લાગ્યો છે. રાઉતે કહ્યું કે, "કેન્દ્રમાં અડધો ડઝનથી વધુ પ્રધાનો કોરોના સંક્રમિત છે. ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી પણ તેનાથી પ્રભાવિત છે. ગૃહ પ્રધાન અમિત શાહને પણ ચેપ લાગ્યો હતો. ફક્ત રશિયાએ આગળ વધીને રસી બનાવી અને વિશ્વ આરોગ્ય સંગઠનથી પૂછવું પણ જરૂરી ન સમજયું. આને કહેવાય મહાશક્તિ"
તેમણે કહ્યું કે, ત્રણ દિવસ પહેલા ખબર પડી હતી કે, અયોધ્યા રામ મંદિર ટ્રસ્ટના પ્રમુખ મહંત નૃત્ય ગોપાલદાસને ચેપ લાગ્યો છે. રાઉતે રશિયાની આ સિધ્ધિની પ્રશંસા કરતા કહ્યું કે, "અમારા રાજકારણીઓ અમેરિકા સાથે વધુ પ્રેમ કરે છે અને જો અમેરિકાએ આ રસી તૈયાર કરી હોત તો ભારતીય નેતાઓ અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની પ્રશંસા કરતા હોત."