નોઈડા: ભારતમાં સૌપ્રથમવાર મોરા યુવિસી રૂમ એર સેનિટાઈઝર મશીનનું નિર્માણ કરવામાં આવ્યું છે. જેના દ્વારા કોરોના વાઇરસના ન્યુક્લિયર આર.એન.એ હવામાં જ વિભાજિત થઈ જશે અને વાઇરસ જીવિત રહી શકશે નહીં. આ ડિવાઇસને ઘરમાં લગાડવાથી વાઈરસની અસર ઓછી થઇ જશે.
તાઇવાનની કંપની લિંગો ઇમ્પેક્સ દ્વારા આ મશીન વિકસાવવામાં આવ્યું છે. જેને ક્વોલિટી કાઉન્સિલ ઓફ ઇન્ડિયા અંતર્ગત NABL લેબમાં ચકાસણી બાદ માન્યતા આપવામાં આવી છે. આ મશીનને ઘર, દુકાન, મોલ, શોપિંગ સેન્ટર દરેક જગ્યાએ લગાવી શકાય છે.
ડૉ.અજય અગ્રવાલે મશીન અંગે જણાવ્યું હતું કે, કોરોના હવાના માધ્યમથી ફેલાય છે. તેના વાઇરસ શ્વાસ વડે શરીરમાં પ્રવેશે છે અને બિમારી ફેલાવે છે. આ ડિવાઇસ વડે હવામાં જ વાઇરસ અને બેક્ટેરિયા ખતમ થઇ જશે. આથી કોરોના પ્રભાવિત વિસ્તારોમાં હવામાં જ કોરોના નાબૂદ કરી શકાશે.