નવી દિલ્હીઃ મહિલાઓ વિરુદ્ધ થતા ગુનાઓ પર કેન્દ્ર સરકારે હવે લાલ આંખ કરી છે. કેન્દ્રિય ગૃહ મંત્રાલયે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો માટે એક નવી એડવાઈઝરી બહાર પાડી છે, જેમાં મહિલાઓ સાથે થતા ગુનાઓ મામલે પોલીસની કાર્યવાહી સુનિશ્ચિત કરવા માટે જણાવવામાં આવ્યું છે.
મહિલાઓની સુરક્ષા અને મહિલાઓ સાથે થતા ગુનાઓને ધ્યાનમાં રાખી કેન્દ્રએ રાજ્યો માટે નવી એડવાઈઝરી બહાર પાડી છે. કેન્દ્ર ગૃહ મંત્રાલયે કહ્યું કે, નિયમોના પાલનમાં પોલીસની નિષ્ફળતાના કારણે લોકોને ન્યાય નથી મળી શકતો. ઉત્તર પ્રદેશના હાથરસમાં મહિલા સાથે થયેલા સામુહિક દુષ્કર્મ અને હત્યાને લઈને દેશભરમાં ભડકી ઉઠેલા ગુસ્સા બાદ કેન્દ્રિય ગૃહ મંત્રાલયે ત્રણ પાનાની નવી એડવાઈઝરી બનાવીને રાજ્યોને મોકલી આપી છે.
મુખ્ય મુદ્દાઓઃ
- જો કોઈ ગુનો ઓળખી શકાય તેવો હોય તો એફઆઈઆર નોંધાવી ફરજિયાત છે.
- જો એફઆઈઆર નોંધવામાં નહીં આવે તો સંબંધિત અધિકારીને સજા કરવામાં આવશે.
- દુષ્કર્મથી જોડાયેલા મામલાની તપાસ બે મહિનામાં પૂર્ણ કરવી પડશે. આના માટે ગૃહ મંત્રાલયે એક પોર્ટલ બનાવ્યું છે. આ મામલાઓની દેખરેખ રાખવામાં આવશે.
- દુષ્કર્મ કે યૌન શોષણના મામલાની સૂચના મળ્યાના 24 કલાકની અંદર મેડિકલ તપાસ કરવી ફરજિયાત છે. પીડિતાની પરવાનગી આવશ્યક છે.
- મૃત્યુથી પહેલા લેવામાં આવેલા નિવેદનને અત્યંત મહત્ત્વનો પુરાવો માનવામાં આવશે.
- ઘટનાના પુરાવા એકત્રિત કરવા માટે ફોરેન્સિક સાયન્સ સર્વિસિઝ ડાયરેક્ટોરેટે જે સૂચન જાહેર કર્યા છે તેનું પાલન કરવું પડશે.
- આ મામલાઓમાં જો પોલીસ લાપરવાહી કરશે તો તેના પર કડકમાં કડક કાર્યવાહી કરવી પડશે.
ગૃહ મંત્રાલયે કહ્યું, સીઆરપીસી હેઠળ ઓળખી શકાય તેવા ગુનાઓમાં અનિવાર્યરૂપથી એફઆઈઆર નોંધવી પડશે. નવી એડવાઈઝરીમાં જણાવવામાં આવ્યું છે કે, મહિલાઓ સાથે થતા યૌન શોષણ અને અન્ય ગુનાઓ જો કોઈ પોલીસના ક્ષેત્રમાં ન આવતા વિસ્તારમાં પણ થયા હોય તો ગમે તે ક્ષેત્રની પોલીસ આ અંગે ઝીરો એફઆઈઆર અને એફઆઈઆર નોંધી શકશે. પોલીસને આ અંગેની સત્તા આપવામાં આવી છે.
ગૃહ મંત્રાલયે વધુમાં કહ્યું કે, કડક કાયદાકીય પ્રાવધાનો અને ભરોસો યથાવત્ રાખવામાં ઉઠાવવામાં આવનારા પગલાં છતાં પોલીસ અનિવાર્ય પ્રક્રિયાનું પાલન કરવામાં નિષ્ફળ રહે તો દેશની ફોજદારી ન્યાય પ્રણાલીમાં યોગ્ય ન્યાય અપાવવામાં વિક્ષેપો ઉત્પન્ન થાય છે.
નવા સૂચનો જાહેર કરાયા
કેન્દ્ર સરકાર દ્વારા રાજ્યો માટે જાહેર કરવામાં આવેલા નવા સૂચનોમાં જણાવાયું છે કે, જો કોઈ તપાસમાં ખામીની જાણકારી મળશે તો તેને સંબંધિત અને જવાબદાર અધિકારી સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે.
ભારતીય દંડ સંહિતાની ધારા- 166
સૂચનોમાં સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે, જો મહિલાઓ સામે થતા ગુનાઓમાં જો કોઈ ચૂક થાય તો આ મામલે દોષી અધિકારીઓ સામે કડકમાં કડક કાર્યવાહી કરવી પડશે. ભારતીય દંડ સંહિતાની ધારા- 166(એ) એફઆઈઆર ન નોંધવાની સ્થિતિમાં પોલીસકર્મીઓ સામે કાર્યવાહી કરવાની પરવાનગી આપે છે. સીઆરપીસીની ધારા 173 હેઠળ દુષ્કર્મના મામલામાં બે મહિનાની અંદર તપાસ પૂરી કરવી ફરજિયાત છે.