નવી દિલ્હી: કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે કાશ્મીરી પંડિતોના પ્રતિનિધિ મંડળને ખાતરી આપી હતી કે, કાશ્મીરમાં તેમનું પુનર્વસન નરેન્દ્ર મોદી સરકારની સર્વોચ્ચ પ્રાથમિકતા છે અને તમને કાશ્મીરમાં ફરીથી વસાવવામાં આવશે. આ અંગે શાહે કહ્યું કે, જમ્મુ-કાશ્મીરના ઓછામાં ઓછા 10 જિલ્લાઓમાં અલગ નગરો બનાવવામાં આવશે અને ખીણમાં ફરીથી મંદિરો બનાવવામાં આવશે.
ગૃહપ્રધાન અમિત શાહે મંગળવારે સાંજે ઉત્તર બ્લોકમાં સાત સભ્યોના કાશ્મીરી પંડિતોના પ્રતિનિધિમંડળ સાથે મુલાકાત કરી આ ખાતરી આપી હતી. લગભગ અડધો કલાક ચાલેલી બેઠકમાં પ્રતિનિધિ મંડળે ગૃહપ્રધાન શાહને વિસ્થાપિત પંડિતોના મુદ્દાને પ્રાથમિકતાના ધોરણે ઉકેલવાની અપીલ કરી હતી.
નોંધપાત્ર વાત એ છે કે, ઇસ્લામિક આતંકીઓની ધમકીઓને કારણે કાશ્મીરી પંડિતોને 1989ના અંતમાં અને 90ના દાયકાની શરૂઆતમાં તેમનું ઘર છોડવું પડ્યું હતું. અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે, ગૃહ પ્રધાન શાહે પ્રતિનિધિમંડળને ખાતરી આપી હતી કે, કેન્દ્ર સરકાર કાશ્મીરી પંડિત સમુદાય માટે સરકારી નોકરીમાં વય છૂટછાટ માટેની વિશેષ જોગવાઈ લાવશે.
ખીણમાંથી પંડિતોના પ્રતિનિધિ મંડળમાં કર્નલ તાજ ટીકુ, ઉત્પલ કૌલ, ડો. સુરેન્દ્ર કૌલ, સંજય ગંજુ અને પરીક્ષિત કૌલ જેવા અગ્રણી લોકો સામેલ હતાં. પ્રતિનિધિમંડળના સભ્યોએ જમ્મુ-કાશ્મીરથી કલમ 370 અને 35એ રદ કરવા માટે ખુશી પણ વ્યક્ત કરી હતી.