- બિહારમાં મહિલાઓ પર અત્યાચારના વધી રહેલા બનાવો
- વૈશાલીમાં યુવતી પર કેરોસીન છાંટી જીવતી સળગાવી દેવાઇ
- કોંગ્રેસ પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કર્યું ટ્વીટ
નવી દિલ્હી/પટના: ગત્ત 30 ઑક્ટોબરે વૈશાલીમાં એક યુવતી પર કેરોસીન નાખી તેને જીવતી સળગાવી દેવાનો ચકચારી બનાવ સામે આવ્યો હતો. 17 દિવસ સુધી હોસ્પિટલમાં સારવાર હેઠળ રહેલી આ યુવતી મૃત્યુ પામતા તેના પરિવારજનોમાં આક્રોશની લાગણી વ્યાપી છે. આ ઘટનાએ હવે રાજકીય વળાંક લેતા કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ટ્વીટ કરી ઘટનાની નિંદા કરી હતી.
"કોનો અપરાધ વધુ ખતરનાક છે? જેણે આ અમાનવીય કૃત્ય કર્યું તે? કે પછી જેણે ચૂંટણીઓને લીધે આ ઘટના છુપાવી જેથી આવા કુશાસન પર પોતાના ખોટા સુશાસનનો પાયો નાખી શકાય તે?" રાહુલ ગાંધીએ ટ્વીટમાં જણાવ્યું.
પરિજનોએ કારગીલ ચોક પર કર્યું વિરોધ પ્રદર્શન
ઘટનાના લગભગ 17 દિવસો બાદ રવિવારે પીડિતાના પરિજનોએ પટનાના કારગીલ ચોક પર પીડિતાનો મૃતદેહ રાખીને વિરોધ પ્રદર્શન કર્યું હતું. આ ઘટનાને લઈને પોલીસ પણ ભેદી મૌન રાખીને બેઠી છે, જેથી લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. પોલીસની લાંબી સમજાવટ બાદ અંતે તેનો મૃતદેહ હટાવી લેવાયો હતો.
શું હતી સમગ્ર ઘટના?
વૈશાલીની રહેવાસી આ પીડિતા કચરો ફેંકવા માટે ગઈ હતી, તે દરમિયાન 3 યુવકો તેને ઘેરી વળ્યા અને તેની સાથે અડપલા કરવા લાગ્યા. પીડિતાએ વિરોધ કરતા એક યુવકે ખિસ્સામાંથી કેરોસીનની બોટલ કાઢી તેના પર રેડી અને ત્યારબાદ આગ ચાંપી દીધી. પીડિતાની બૂમાબૂમ સાંભળી આસપાસના લોકો દોડી આવ્યા હતા અને તેને હોસ્પિટલમાં પહોંચાડી હતી. તેનું 70 ટકા શરીર આગમાં બળી ગયું હોવાનું ડૉકટરોએ જણાવ્યું હતું. પીડિતાએ તેની સારવાર દરમિયાન પોલીસને આપેલા નિવેદનમાં સમગ્ર ઘટનાનું વર્ણન કર્યું હતું.