ઉદ્યોગપતિ રાહુલ બજાજે ગૃહપ્રધાન અમિત શાહ સહિત મોદી સરકારને આડે હાથ લીધી. તેમણે કહ્યું કે, દેશમાં ડરનો માહોલ છે અને લોકો અહીંયા સરકારની ટીકા કરવાથી ડરે છે. જો કે, બજાજના આ આરોપો શાહે ફગાવી દીધા છે.
શાહે એક એવોર્ડ સમારંભમાં ઉદ્યોગપતિ રાહુલ બજાજની ટિપ્પણીનો જવાબ આપતા કહ્યું કે, રક્ષાપ્રધાન રાજનાથ સિંહ પહેલાં જ પ્રજ્ઞાના નિવેદનની નિંદા કરી ચૂક્યા છે અને પાર્ટીએ એમના વિરૂદ્ધ કાર્યવાહી પણ કરી છે.
કેન્દ્રીય ગૃહપ્રધાન શાહે કહ્યું કે, સરકાર અને ભારતીય જનતા પાર્ટીએ નથૂરામ ગોડસેના સંબંધમાં પ્રજ્ઞા સિંહ ઠાકુરના નિવેદનની સખત નિંદા કરી છે.
તેમણે કહ્યું કે, સરકાર કે ભારતીય જનતા પાર્ટી, આ પ્રકારના નિવેદનોને સમર્થન આપતી નથી. અમે પ્રજ્ઞા ઠાકુરની સખત નિંદા કરીએ છીએ.
અહીં ઉલ્લેખનીય છે કે, પ્રજ્ઞાએ લોકસભામાં નાગિરકતા સંશોધન બિલ પર ચર્ચા દરમિયાન વિવાદિત નિવેદન આપ્યું હતું, કે જ્યારે ડીએમકેના સાંસદ એ. રાજાએ મહાત્મા ગાંધીની હત્યાને લઈ ગોડસેના કોર્ટમાં આપવામાં આવેલા નિવેદન અંગે બોલી રહ્યા હતા. પ્રજ્ઞાના આ નિવેદનને સદનની કાર્યવાહીમાં પણ સામેલ કરવામાં નથી આવ્યું.
ગૃહપ્રધાને આ આરોપોનું ખંડન કર્યું હતું કે, દેશમાં ડરનો માહોલ છે. શાહે કહ્યું કે, સરકાર પારદર્શી રીતે કામ કરી રહી છે.
તેમણે જમ્મુ-કાશ્મીરની સ્થિતિ પર અંગે ચર્ચા કરીને ઉદ્યોગપતિઓને વિનંતી કરી કે, તેઓ પોતાના પરિવાર સાથે ખીણ પ્રદેશમાં જાય અને ત્યાંની વાસ્તવિક પરિસ્થિતિનું નિરીક્ષણ કરે.