હૈદરાબાદ: ભારત અને ચીન વચ્ચે છેલ્લા દોઢ મહિનાથી સરહદે વિવાદ ચાલી રહ્યો છે, ત્યારે લદ્દાખની ગાલવન ઘાટીમાં સોમવારે રાત્રે ભારત અને ચીનના સૈનિકો વચ્ચે હિંસક અથડામણ થઇ હતી. તેમાં આર્મીના એક કર્નલ અને બે જવાન શહીદ થયા હતા. શહીદ કર્નલ સંતોષ બાબૂ 16 બિહાર રેજિમેન્ટના કમાન્ડિંગ ઓફિસર હતા. શહીદ કર્નલ તેલંગાણાના સૂર્યાપેટના રહેવાસી હતા. કર્નલ સંતોષ બાબુના પરિવારમાં તેમના માતાપિતા, પત્ની અને એક પુત્રી અને એક પુત્ર છે.
પૂર્વી લદ્દાખમાં લગભગ 17,000 ફુટ ઉંચી ગલવાન ખીણમાં સોમવારે રાત્રે ભારતીય સેના અને ચીની સેનાના જવાનો વચ્ચે થયેલી હિંસક અથડામણમાં જીવલેણ વળાંક આવ્યો છે. સરહદ પર ભારત અને ચીની સેના વચ્ચે થયેલી અથડામણમાં 20 ભારતીય જવાનો શહીદ થયાના અહેવાલ મળી રહ્યાં છે. જ્યારે આ અથડામણમાં 43 ચીની સૈનિકોના પણ મોત થયા હોવાની માહિતી પણ મળી છે.