નવી દિલ્હી : કૃષિ બિલનો વિપક્ષ દળો અને ખેડૂતો ઠેરઠેર વિરોધ કરી રહ્યા છે. દિલ્હીમાં ખેડૂતોએ પ્રદર્શન કરી ટ્રેક્ટરને લઈ ઈન્ડિયા ગેટ પાસે પહોંચ્યાં હતા. જ્યાં તેમણે ટ્રેક્ટરમાં આગ લગાવી હતી. જ્યારે પોલીસ ઘટના સ્થળ પર પહોંચી તો પ્રદર્શનકારીઓ ઘટના સ્થળ પરથી ફરાર થયા હતા. પોલીસના જણાવ્યા અનુસાર પ્રદર્શનકારીઓમાં 12 થી 15 લોકો સામેલ હતા.
જાણકારી અનુસાર સંસદમાં ખેડૂત સંબંધિત બિલ પાસ થયા બાદ અનેક રાજ્યોમાં ખેડૂતો નારાજ છે. જેને લઈ તેઓ અનેક સ્થળો પર પ્રદર્શન કરી રહ્યા છે.શુક્રવારના રોજ દેશના કેટલાક વિસ્તારોમાં પ્રદર્શન કરવામાં આવ્યું હતુ. જેને લઈ પોલીસે દિલ્હીના કેટલાક વિસ્તારોમાં કલમ 144 લાગુ કરી છે. તેમજ લોકોને એકઠા થવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે, પરંતુ કેટલાક લોકો આજે ઈન્ડિયા ગેટની પાસે પહોંચ્યાં હતા.તેમણે ટ્રેક્ટરમાં આગ લગાવી હતી.
જાણવામાં આવી રહ્યું છે કે, તે લોકો પંજાબ કોંગ્રેસ યૂથના સભ્યો હતો, પરંતુ તેને લઈ હજુ સુધી કોઈ પુષ્ટિ થઈ નથી.આ સમગ્ર ઘટનાને લઈ તિલક માર્ગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.