કાનપુરઃ કાનપુરમાં 8 પોલીસકર્મીઓની શહાદત માટે જવાબદાર કુખ્યાત ગેંગસ્ટર વિકાસ દુબે વિશે માહિતી આપવારને 50 હજાર રૂપિયાનું ઇનામ આપવામાં આવશે. કાનપુરના આઈજી મોહિત અગ્રવાલે શુક્રવારે વિકાસ દુબેની ભાળ આપનાર માટે ઈનામની જાહેરાત કરી હતી. તેમણે કહ્યું કે, વિકાસ દુબેની જાણકારી આપનારને 50 હજાર રૂપિયાનું ઈનામ આપવામાં આવશે. જો કે, જાણકારી આપનારનું નામ ગુપ્ત રાખવામાં આવશે.
પોલીસે જાહેરાત કરી કે, જે વ્યક્તિ કાનપુર એન્કાઉન્ટરમાં 8 પોલીસકર્મીઓની શહાદત માટે જવાબદાર કુખ્યાત ગેંગસ્ટર વિકાસ દુબે વિશે માહિતી આપશે, તેને 50,000 રૂપિયાનું ઇનામ આપવામાં આવશે. મહત્વનું છે કે, કાનપુરના ચૌબપુરના પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગુનાહિત ઇતિહાસ ધરાવતા ગેંગસ્ટર વિકાસ દુબેએ 8 પોલીસ કર્મચારીઓ પર ફાયરિંગ કરાવ્યું હતું. જેની સામે વિવિધ પોલીસ સ્ટેશનમાં 60 કેસ નોંધાયા છે. કાનપુરમાં આ લોહિયાળ એન્કાઉન્ટર બાદ વિકાસ દુબેને મોસ્ટ વોન્ટેડ બનાવી યુપી પોલીસ શોધી રહી છે.
પોલીસે વિકાસ દુબેના ગામના અનેક લોકોને અટકાયત કરી સમગ્ર ઘટનાક્રમ અને હુમલાના માસ્ટર માઇન્ડ વિકાસ વિશે પૂછપરછ થઇ રહી છે. આ ઉપરાંત પોલીસ સર્વેલન્સ પર 500 જેટલા મોબાઈલ ફોન નંબર્સ મુકવામાં આવ્યાં છે. સમગ્ર ગામમાં ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. આ ઘટના બાદ ગામ અને આજુબાજુના વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે. આશરે 24 લોકોને પૂછપરછ માટે ગામમાંથી અટકાયત કરવામાં આવી છે. એટલું જ નહીં પોલીસની ફોરેન્સિક ટીમ પણ સતત તપાસ કરી રહી છે. ડીજીપી પોતે ગામની મુલાકાતે ગયાં હતાં અનેે ગામને જોડતા પોઇન્ટ પર સીસીટીવી શોધી રહ્યાં છે.
નોંધનીય છે કે, ગુરુવારે ચૌબેપુર પોલીસ સ્ટેશનમાં રાહુલ નામના શખ્સની એફઆઈઆર પછી વિકાસે આ લોહિયાળ ષડયંત્ર રચ્યું હોવાનું જાણવા મળ્યું છે. આ અંગે પોલીસ અધિકારી યશવીરસિંહે જણાવ્યું હતું કે, આ લોહિયાળ રમત પાછળ રાહુલની એફઆઈઆર જ હતી. આ જ ફરિયાદના આધારે પોલીસ વધુ તપાસ માટે વિકાસના ગામમાં ગઈ હતી.
ગુનાહિત ઇતિહાસ ધારાવતા વિકાસ દુબે વિરુદ્ધ એફઆઈઆર નોંધાયા બાદ જ્યારે પોલીસ તેના ગામમાં ગઈ ત્યારે, જેસીબી મશીન લગાવીને રસ્તો બંધ કરવામાં આવ્યો હતો. જેથી પોલીસની ટીમ પગે ચાલી આગળ વધતાં વિકાસના ગુંડાઓએ ત્રણ દિશાઓથી ફાયરિંગ શરૂ કરી દીધું હતું. આ હુમલામાં યુપી પોલીસના સીઓ સહિત 8 પોલીસ જવાન શહીદ થયા હતાં.