વ્યૂહાત્મક વિનિવેશથી માલિકીમાં પરિવર્તન અને પ્રબંધન નિયંત્રણનું હસ્તાંતરણ આવશ્યક બને છે. જોકે તમામ જાહેર સાહસોમાં ખાનગીકરણને મંજૂરી મળી નથી. NTPC જે પોતે પણ કેન્દ્ર સરકારનું જાહેર સાહસ છે, તેના દ્વારા THDCIL અને NEEPCOમાં સરકારના શૅરને પ્રાપ્ત કરવાને મંજૂરી મળી છે. આથી આ બંને જાહેર સાહસ જ રહેશે. પરંતુ અન્યોની માલિકી ખાનગી ખેલાડીઓ પાસે જઈ શકે છે જેનો આધાર લીલામીની પ્રક્રિયાના પરિણામ પર છે. સરકાર સરકારી માલિકીની રિફાઇનરી BPCLમાં તેનો ૫૩.૩ ટકાનો સમગ્ર હિસ્સો વેચી નાખશે અને પ્રબંધન નિયંત્રણ પણ નવા માલિકને સોંપી દેશે. હકીકતે મંજૂરી BPCLનું ખાનગીકરણ કરવાની છે.
હાલમાં, BPCL અન્ય જાહેર સાહસના એકમ નુમાલીગઢ રિફાઇનરી લિમિટેડ (NRL)માં ૬૧.૬૫ ટકા શૅર ધરાવે છે. સૂચિત ખાનગીકરણની યોજનાનો હિસ્સો NRL નહીં હોય. NRLમાં BPCLના શૅર અને તેનું પ્રબંધન નિયંત્રણ તેલ અને વાયુ ક્ષેત્રમાં કામ કરતા કેન્દ્ર સરકારના બીજા કોઈ જાહેર સાહસને હસ્તાંતરિત કરાશે. આર્થિક બાબતો પરની કેન્દ્રીય પ્રધાનમંડળની સમિતિએ શિપિંગ કૉર્પોરેશન ઑફ ઇન્ડિયા લિ.માં સરકારનો સમગ્ર ૬૩.૭ ટકા હિસ્સો વેચવાને અનુમતિ આપી છે. સરકાર હાલમાં કન્ટેઇનર કૉર્પોરેશન ઑફ ઇન્ડિયા લિ.માં ૫૪.૮ ટકા ઇક્વિટી ધરાવે છે. તેમાંથી ૩૦.૮ ટકા વેચવાને ઉક્ત સમિતિએ મંજૂરી આપી છે. BPCL, શિપિંગ કૉર્પોરેશન ઑફ ઇન્ડિયા લિ. અને કન્ટેઇનર કૉર્પોરેશન ઑફ ઇન્ડિયા લિ. એ (સેબીમાં) સૂચિબદ્ધ કંપનીઓ છે. બુધવારે (૨૦ નવેમ્બર ૨૦૧૯ના રોજ) તેમના બંધ શૅર ભાવ મુજબ, વિનિવેશ માટે મંજૂર સરકારી શૅરની કિંમત હતી - અનુક્રમે રૂ. ૬૨,૮૯૨ કરોડ, રૂ. ૨,૦૧૯ કરોડ અને રૂ. ૫,૭૨૨ કરોડ. બુધવારના શૅર ભાવ મુજબ, વિનિવેશ દ્વારા સંચિત કરાયેલું ધન અંદાજે રૂ. ૭૦,૮૬૬ કરોડ છે. નાણાં મંત્રાલયના આંકડા મુજબ, અત્યાર સુધી વર્તમાન નાણાકીય વર્ષમાં સરકારે વિનિવેશ કરીને રૂ. ૧૭,૩૬૪ કરોડ ઊભા કરી લીધા છે.
THDCIL અને NEEPCO એ સૂચિબદ્ધ કંપનીઓ નથી. પરંતુ NTPCને સરકારી શૅર વેચવાથી ઊભા થયેલા ધનથી સરકાર વર્તમાન નાણાકીય વર્ષ માટે તેનો રૂ. ૧,૦૫,૦૦૦ કરોડનો કુલ વિનિવેશ લક્ષ્યાંક પ્રાપ્ત કરે તેવી ધારણા છે. હવે એ જોવાનું રહેશે કે ખાનગીકરણ કરાઈ રહેલાં જાહેર સાહસોની વ્યૂહાત્મક માલિકી અને પ્રબંધન નિયંત્રણ માટે લીલામી કરવા ખાનગી ક્ષેત્ર કેટલી આક્રમકતાથી આગળ આવે છે. કૉર્પોરેટ ક્ષેત્રની સમગ્રતયા મૂડીપ્રવાહિતાની સ્થિતિ અને ચાલી રહેલી આર્થિક સુસ્તીને જોતાં, લીલામીકર્તાઓ તેમનાં સંસાધનો અને વધારાનાં નાણાંમાંથી આ ખરીદીના પૈસા કાઢે છે કે કેમ તે જોવું પડશે કે પછી તેઓ બૅન્કો, કૉર્પોરેટ બૉન્ડ કે અન્ય વ્યાવસાયિક ધિરાણ (ECB)ની રીતે દેવું વધારીને આ પૈસા કાઢે છે. જો ખાનગી ક્ષેત્ર બહુ રસ ન દર્શાવે તો, ખાનગીકરણ માટે વધુ જાહેરસાહસોની દરખાસ્ત કરવાના બદલે સરકાર વિનિવેશથી પૈસા ઊભા કરવા બીજો રસ્તો અપનાવે તેવી શક્યતા છે: તે તેના શૅર, શૅરબજારમાં મોટા પ્રમાણમાં વેચવા કાઢશે.
આના માટે, પસંદગીનાં કેન્દ્રીય જાહેર સાહસોમાં પરિસ્થિતિના આધારે સરકારની માલિકી ૫૧ ટકા નીચે ઘટાડવા માટે આર્થિક બાબતોની કેન્દ્રીય પ્રધાનમંડળની સમિતિએ સૈદ્ધાંતિક મંજૂરી આપી છે અને છતાં પ્રબંધન નિયંત્રણ તેની પાસે જ રહેશે. તેનાથી સરકારને વિદેશી સંસ્થાગત મૂડીરોકાણકારો અને ઘરેલુ છુટક મૂડીરોકાણકારો પાસેથી વિનિવેશ કરીને ધન ઊભું કરવામાં મદદ મળશે. હકીકતે, BPCL, શિપિંગ કૉર્પોરેશન ઑફ ઇન્ડિયા લિ. અને કન્ટેઇનર કૉર્પોરેશન ઑફ ઇન્ડિયા લિ.ના ત્રણ કિસ્સાઓ સાથે, સરકાર ખાનગીકરણ માટે ખાનગી ક્ષેત્રની ભૂખની કસોટી કરવા માગે છે. અને એ જ સમયે તેણે શૅર બજારમાં શૅર વેચીને તેનું પ્રબંધન નિયંત્રણ હળવું કર્યા વગર માલિકી આધારભૂત રીતે હળવી કરીને વિનિવેશથી ધન ઊભું કરવા માટે વૈકલ્પિક યોજના પણ બનાવી રાખી છે.
લેખકઃ પૂજા મહેરા, (દિલ્હી સ્થિત પત્રકાર અને ‘ધ લૉસ્ટ ડિકેડ (૨૦૦૮-૧૮) હાઉ ધ ઇન્ડિયા ગ્રૉથ સ્ટોરી ડિવૉલ્વ્ડ ઇનટૂ ગ્રૉથ વિધાઉટ અ સ્ટૉરી’નાં લેખિકા છે)