અયોધ્યા: 5 ઓગસ્ટે અયોધ્યા ખાતે રામજન્મ ભૂમિ પર મંદિર નિર્માણ માટે શિલાન્યાસ થશે. જેની તૈયારીઓને આખરી ઓપ અપાઈ રહ્યો છે. બે પેઢીથી ભગવાન માટે પોશાક તૈયાર કરનારા બે ભાઈઓ આ માટે ગૌરવ અનુભવી રહ્યા છે. એક બાજુ ભવ્ય રામમંદિર બની રહ્યુ છે તો બીજી બાજુ રામલલા માટે નવા વસ્ત્રો તૈયાર કરવા માટે આ બંને ભાઈઓએ પોતાની ભક્તિના મોતી પરોવ્યા છે.
5મીએ જ્યારે પીએમ મોદી ભૂમિ પૂજન કરશે ત્યારે રામ ભગવાન નવરત્નોના મખમલી પોશાકમાં જોવા મળશે. વાર પ્રમાણે આ દિવસે ભગવાનને લીલા રંગના પોશાક પહેરાવાશે. મંદિર નિર્માણની શરુઆત માટે ગ્રહદશા પણ અનુકુળ છે. નવ ગ્રહની દશા પ્રમાણે ભગવાનને નવરત્નોવાળા પોશાક પહેરાવાશે. શંકરલાલ અને ભાગવત પ્રસાદે રામલલા સાથે ભાઈ ભરત, લક્ષ્મણ, શત્રુઘ્ન સહિત હનુમાનજીના વસ્ત્રો પણ તૈયાર કરાયા છે. આ વસ્ત્રો તૈયાર કરવામાં 17 મીટર કપડાનો ઉપયોગ કરાયો છે.
રામલલાનાં વસ્ત્રો તૈયાર કરનાર ભગવત પ્રસાદે જણાવ્યુ હતું કે, ભવ્ય રામમંદિર બનવાની શરુઆત થઈ રહી છે ત્યારે તેમના માટે વિશેષ વસ્ત્રો તૈયાર કરાયા છે. આ ઉપરાંત ભગવાનને આભૂષણોથી સુશોભિત, આકર્ષક માળા પણ પહેરાવાશે.
ઉલ્લેખનિય છે કે, ત્રણ દાયકા પૂર્વે રામ જન્મ ભૂમિના પૂજારી લાલ દાસ દ્વારા ભગવત પ્રસાદના પિતા બાબુલાલને ભગવાના વસ્ત્રો તૈયાર કરવાનું કામ સોંપ્યુ હતું. ત્યારથી ભગવત પ્રસાદ સતત ભગવાનનાં પોશાક બનાવી રહ્યા છે.