VHPના સ્થાપક અને અધ્યક્ષ પ્રવિણ તોગડીયા બોટાદની મુલાકાત બાદ પાલીતાણાની મુલાકાતે પહોંચ્યા હતાં. જ્યાં તેમણે VHPના કાર્યકરો સાથે બેઠક કરી પાલીતાણા ખાતે વિવિધ કાર્યક્રમોમાં હાજરી પણ આપી હતી. પાલીતાણા આવેલ પ્રવિણ તોગડીયાને મળવા માટે વિશ્વ હિંદુ પરિષદના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં પહોંચ્યા હતા.
આ કાર્યક્રમ દરમિયાન મીડિયા સાથેની વાતચીતમાં તેમણે જણાવ્યું હતું કે, હાલની સરકાર રિજીઓનલ ઇકોનોમિકલ કો.ઓપરેશન પાર્ટનરશીપ હેઠળ 17 દેશો સાથે મુક્ત વેપાર નીતિ અપનાવવા જઈ રહી છે. જેના કારણે આ દેશોમાં વધી પડતું દૂધ અને દૂધનો પાવડર ભારતમાં ઈમ્પોર્ટ થશે. જેથી ભારતના 1 કરોડ પશુપાલકો લોકોને સીધી અસર થશે અને તેઓ બેકાર બની જશે.
તદ્ઉપરાંત ચીનનો સસ્તો માલ ભારતમાં આવવાના કારણે અન્ય 50 લાખ લોકોની રોજગારી પણ છીનવાઈ જશે. સાથે જ તેમણે જણાવ્યું હતું કે, વર્લ્ડ બેન્ક મુજબ દેશની GDPમાં 1 ટકાનો ઘટાડો થશે. જેથી 1 કરોડ લોકો બેકાર બનશે. દેશમાં ધંધા-ઉદ્યોગ ભાંગી રહ્યા છે, તે સમયે ભારત સરકારે મુક્ત વ્યાપારનો નિર્ણય ન કરવો જોઈએ.