21 ઓક્ટોબરે મહારાષ્ટ્ર અને હરિયાણામાં વિધાનસભાઓ માટે મતદાન થશે. બીજી બાજુ યુપીની 11 સીટો પર પેટાચૂંટણી થવાની છે. જ્યાં એક સાથે 110 ઉમેદવારો મેદાનમાં છે.
હરિયાણાની 90 બેઠક માટે મતદાન
હરિયાણાની તમામ 90 બેઠક માટે આવતી કાલે એટલે કે, 21 ઓક્ટોબરે સવારે 7 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધી મતદાન થશે. રાજ્યની 90 બેઠક માટે 1168 ઉમેદવારો મેદાનમાં છે. સત્તાધારી ભાજપ પાર્ટી અહીં 70 પ્લસનો લક્ષ્યાંક આપી વિપક્ષને લલકારી ચૂક્યું છે.
મહારાષ્ટ્રમાં 288 બેઠક પર મતદાન
મહારાષ્ટ્ર વિધાનસભાની 288 બેઠક માટે આવતી કાલે 21 ઓક્ટોબરે મતદાન થશે. આ રાજ્યમાં કુલ 3237 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં છે. આપને જણાવી દઈએ કે, આ ચૂંટણીમાં ભાજપ અને શિવસેનાએ ગઠબંધન કરી ફરી એક વાર સત્તામાં આવવા માટે થનગની રહ્યું છે. બીજી બાજુ કોંગ્રેસ અને એનસીપીએ ગઠબંધન કરી ભાજપને પછાડી સત્તામાં ફરી વાપસી કરવાનું વિચારી રહ્યું છે.
17 રાજ્યોની 64 વિધાનસભા બેઠક પર પેટાચૂંટણી
મહારાષ્ટ્ર અને હરિયાણા વિધાનસભાની ચૂંટણીની સાથે સાથે 17 રાજ્યોની 64 વિધાનસભા સીટો પર પેટાચૂંટણી યોજાવાની છે. જેમાં ઉત્તર પ્રદેશની 11, કર્ણાટકની 15, કેરલ અને બિહારની પાંચ, પાંચ, ગુજરાત-6, આસામ અને પંજાબની ચાર-ચાર, સિક્કિમની ત્રણ, હિમાચલ, તમિલનાડૂ અને રાજસ્થાનની બે-બે, અરુણાચલ, તેલંગણા, મધ્યપ્રદેશ, મેઘાલય, ઓડિશા અને પુડુચેરીની એક એક સીટ પર મતદાન થશે.
આ તમામ સીટો પર 21 ઓક્ટોબરે એટલે કે, આવતી કાલે મતદાન યોજાશે. આજે ગત રોજ શનિવારના સાંજે 6 વાગ્યે ચૂંટણી પ્રચાર થંભી ગયો હતો. 24 ઓક્ટોબરે આ ચૂંટણીનું પરિણામ આવશે.