નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે મધ્યપ્રદેશના રીવામાં સ્થાપિત 750 મેગાવોટનો સોલાર પ્રોજેક્ટ રાષ્ટ્રને સમર્પિત કરશે. વડાપ્રધાન કાર્યાલય તરફથી ગુરૂવારે આ જાણકારી આપવામાં આવી હતી. આ પ્રોજેક્ટ અંતર્ગત 250-250 મેગાવોટ ક્ષમતાનાં ત્રણ એકમો સ્થાપિત કરવામાં આવ્યાં છે.
કાર્યાલય દ્વારા જાહેર થયેલા નિવેદન મુજબ, આ સોલાર પાર્ક રેવા અલ્ટ્રા મેગા સોલાર લિમિટેડ (આરયુએમએસએલ) દ્વારા વિકસિત કરાઈ છે. તે મધ્યપ્રદેશ ઊર્જા વિકાસ નિગમ લિમિટેડ (એમપીયુવીએન) અને સેન્ટ્રલ પબ્લિક સેક્ટર યુનિટ સોલાર એનર્જી કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (એસઈસીઆઈ) ની સંયુક્ત સાહસ કંપની છે.
આરયુએમએસએલને સોલાર પાર્કના વિકાસ માટે રૂપિયા 138 કરોડની કેન્દ્રિય નાણાકીય સહાય પૂરી પાડવામાં આવી હતી. પાર્કના વિકાસ પછી પાર્કની અંદર ત્રણ 250 મેગાવોટ સોલાર જનરેટ યુનિટ બાંધવા માટે રેવા અલ્ટ્રા મેગા સોલર લિમિટેડે હરાજી દ્વારા મહિન્દ્રા રીન્યુએબલ્સ પ્રાઈવેટ લિમિટેડ એસીએમઈ જયપુર સોલાર પાવર પ્રાઇવેટ લિમિટેડ અને ઓરિન્સન ક્લીન એનર્જી પ્રાઈવેટ લિમિટેડની પસંદગી કરી છે.
આ પ્રોજેક્ટમાંથી ઉત્પાદિત વીજળીનો દર પ્રથમ વર્ષ માટે પ્રતિ યુનિટ દીઠ રૂપિયા 2.97 રહેશે. જેમાં 15 વર્ષ માટે એકમ દીઠ 0.05 રૂપિયાની વૃદ્ધિ થશે. આ આધારે વીજળી 25 વર્ષના સમયગાળા માટે યુનિટ દીઠ 3.30 રૂપિયાના દરે મળશે.