છપરા (બિહાર): બુધવારે જિલ્લામાં NDAના ઉમેદવારોના ઉમેદવારી પત્ર ભર્યા બાદ છપરા સાંસદ રાજીવ પ્રતાપ રૂડીએ પત્રકાર પરિષદ યોજી હતી. જેમાં તેમણે કહ્યું કે, આ વખતે પણ બિહારમાં NDA સરકાર બનશે. આ સાથે તેમણે વડાપ્રધાન મોદીના કાર્યક્રમો વિશે માહિતી આપી હતી. રાજીવ પ્રતાપ રૂડીએ કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિકાસ માટે સમર્પિત છે, તેમનું ધ્યાન બિહાર પર છે. વડાપ્રધાન મોદી 1 નવેમ્બરના રોજ છપરા આવી રહ્યા છે. નરેન્દ્ર મોદી અહીં સભાને સંબોધિત કરશે.
રાજીવ પ્રતાપ રૂડીએ દાવો કર્યો કે, સારણમાં કોઈ પણ વિધાનસભા બેઠક પર વિરોધ કરવામાં આવ્યો નથી. જ્યારે ધારાસભ્ય શત્રુઘન તિવારી ઉર્ફ ચોકર બાબાની ટિકિટ સાંસદના ગૃહ મત વિસ્તાર અમનૌરના પૂર્વ ધારાસભ્ય કૃષ્ણ કુમાર ઉર્ફ મંટુને આપવામાં આવી હતી અને તેમણે ભાજપના ધારાસભ્ય તરીકે ઉમેદવારી નોંધાવી છે. ત્યારે ધારાસભ્ય શત્રુઘન તિવારી ઉર્ફ ચોકર બાબાએ અપક્ષ ઉમેદવાર તરીકે ઉમેદવારી નોંધાવી છે. તેમણે કહ્યું કે, આ અમારો વ્યક્તિગત નિર્ણય નથી. ઉમેદવારની પસંદગી ઉપરથી નક્કી હોવાથી આ સંપૂર્ણપણે પક્ષના નેતૃત્વનો નિર્ણય છે.