લંડન: વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુરુવારે યુકેમાં 'ઈન્ડિયા ગ્લોબલ વીક 2020'માં સંબોધન કરશે, જેમાં ભારતના વેપાર અને વિદેશી રોકાણની સંભાવનાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે તેવી અપેક્ષા છે. લંડનમાં આયોજીત ભારત વૈશ્વિક સપ્તાહ સંમેલન ત્રણ દિવસ માટે યોજાશે. આ કાર્યક્રમમાં કોરોનાવાઈરસ સામેના પડકાર, વાણિજ્ય અને રણનીતિ અંગે ચર્ચા કરવામાં આવશે.
ઈન્ડિયા ઇન્ક ગ્રુપના અધ્યક્ષ અને સીઈઓ મનોજ લાડવાએ કહ્યું કે, "વિશ્વ કોવિડ -19 મહામારીથી બહાર આવવા માટે સંઘર્ષ કરી રહ્યું છે, ભારત તેની અપાર પ્રતિભા, તેની તકનીકી ક્ષમતા અને નેતૃત્વ માટેની વધતી ઇચ્છાથી વૈશ્વિક બાબતોમાં સતત વિકાસશીલ છે." તેમણે કહ્યું કે, મારું માનવું છે કે ભારતીય વડાપ્રધાનનો વિશ્વ સમક્ષ સંદેશ એક નવી શરૂઆત હશે."
આ સંમેલનનું આયોજન બ્રિટેન સ્થિત મીડિયા હાઉસ ઈન્ડિયા ઈન્ક ગ્રુપ દ્વારા કરવામાં આવ્યું છે. ઈન્ડિયા ઈન્ક ગ્રુપના સંસ્થાપક અને સીઈઓ મનોજ લાડવાએ કહ્યું કે, કોવિડ-19ના સંકટમાંથી બહાર નિકળવા માટે આપણી શક્તિનો ઉપયોગ પડકારોનો સામનો કરવા અને ખરા નિર્ણય લેવામાં કરવાનો છે.
કોરોના વાઇરસ રોગચાળાને ધ્યાનમાં રાખીને, આ ત્રણ દિવસીય ઇવેન્ટનું આયોજન ઓનલાઇન પ્લેટફોર્મ પર કરવામાં આવી રહ્યું છે, જેમાં વિદેશ પ્રધાન એસ. જયશંકર, રેલવે પ્રધાન પિયુષ ગોયલ, ઉડ્ડયન અને શહેરી બાબતોના પ્રધાન હરદીપસિંહ પુરી, માહિતી ટેકનોલોજી પ્રધાન રવિશંકર પ્રસાદ અને કૌશલ્ય વિકાસ પ્રધાન મહેન્દ્ર નાથ પાંડે ઉપસ્થિત રહેશે.આ કાર્યક્રમમાં અંદાજીત 250 જેટલા વક્તા સામેલ થશે.
પ્રિન્સ ચાર્લ્સ બ્રિટન વતી વિશેષ સંબોધન કરશે. આ સિવાય વિદેશ પ્રધાન ડોમિનિક રાબ, ગૃહ પ્રધાન પ્રીતિ પટેલ, આરોગ્ય પ્રધાન મેટ હેનકોક અને આંતરરાષ્ટ્રીય વેપાર પ્રધાન લિઝ ટ્રસ સંબોધન કરશે.