નવી દિલ્હીઃ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રેડિયો કાર્યક્રમ મન કી બાતમાં દેશને સંબોધન કર્યું હતું. આ મન કી બાત કાર્યક્રમનો 63મી એડીશન હતી. જેમાં દેશના રિયલ હીરોની પ્રશંસા કરી હતી. PM મોદીએ કહ્યું કે, દેશના રિયલ હીરો ડૉક્ટર્સ, નર્સ અને તમારા જેવા અન્ય સાથીઓની મદદથી આપણે કોરોના વિરુદ્ધ લડાઇ લડી શકીએ છીએ. અમે આ લોકો માટે 50 લાખના હેલ્થ કવરની જોગવાઇ કરી છે.
PM મોદીએ કહ્યું કે, રિયલ હીરોમાં આપણી આસપાસ કરિયાણાની દુકાન ચલાવનારા, ડ્રાઇવર્સ વિશે વિચારો, જે જોખમ ઉઠાવીને પણ લોકોની સેવામાં લાગ્યા છે. બેન્કિંગ કર્મચારી પણ સતત કામમાં લાગેલા છે. તમારા ઘરે ડિલીવરી પહોંચાડનાર ઇ-કોમર્સના કર્મચારીઓનો પણ ધન્યવાદ કરવો જોઇએ.
PM મોદીએ કોરોના ફાઇટર્સ સાથે વાત કરતા કહ્યું કે, મને પણ કોરોનાથી સ્વસ્થ થયેલા લોકોથી પ્રેરણા મળી છે. એક સ્વસ્થ થયેલ વ્યક્તિએ મોદી સાથે વાત કરતા કહ્યું કે, ડોક્ટર્સ અને નર્સે મને સ્વસ્થ થવાનો ભરોસો આપ્યો. પરિવારને જ્યારે માહિતી મળી ત્યારે હું ક્વોરેન્ટાઇનમાં હતો. હવે દિવસભર અલગ રૂમમાં રહું છું. PM મોદીએ આ વ્યક્તિને કહ્યું કે, તમે તમારા અનુભવનો ઓડિયો બનાવીને ઇન્ટરનેટ પર મૂકો જેથી લોકો પ્રેરણા લઇ શકે.
દિલ્હીથી એક ડૉક્ટરે PM મોદી સાથે વાત કરતા કહ્યું કે, અમે આર્મી મોડમાં લોકોની સેવામાં લાગેલા છીએ. જે જરૂરી ચીજો છે તે તમે ઉપલબ્ધ કરાવી જ રહ્યાં છે. અમે દર્દીઓને સમજાવી રહ્યાં છીએ કે તમે ગભરાશો નહીં. 14-15 દિવસમાં સ્વસ્થ થઇ જશો. અમે ટીમને પ્રોત્સાહિત કરી રહ્યા છીએ કે દર્દીઓનો સારો ઇલાજ અને પોતાની સુરક્ષા માટે સતર્ક રહે.
PM મોદીએ કહ્યું કે, દુનિયાનો અનુભવ દર્શાવે છે કે, આ બીમારીનું સંક્રમણ અચાનક વધે છે. ભારતમાં આ સ્થિતિ ન આવે તેના માટે આપણને લગાતાર પ્રયાસ કરવાના છે. દેશની જનતા સાથ આપશે તો આપણે આ બીમારી સામે લડીશું.