ન્યૂઝ ડેસ્કઃ જબરદસ્ત માનવ અને આર્થિક કટોકટી સાથે વૈશ્વિક આરોગ્ય કટોકટીની વચ્ચે ભારત સરકારે વિદેશથી ફાળો સ્વીકારવા તેની ઈચ્છાનો સંકેત આપ્યો છે. “સરકારની કૉવિડ-19 સામેની લડાઈમાં તેને સહાય કરવા ઉદાર ફાળો આપવા ભારત અને વિદેશથી અનેક ત્વરિત વિનંતી આપવાને ધ્યાનમાં રાખીને એક જાહેર સખાવતી ટ્રસ્ટ ‘પીએમ-કૅર્સ’ બનાવવામાં આવ્યું છે,” તેમ સૂત્રોએ ગઈ કાલે કહ્યું હતું. “સરકારના પ્રયાસોમાં પ્રદાન કરવા જે રસ વ્યક્ત કરવામાં આવ્યો તેને ધ્યાનમાં રાખીને તેમજ જે અભૂતપૂર્વ પ્રકારનો રોગચાળો ફેલાયો છે તેને ધ્યાનમાં રાખીને ટ્રસ્ટમાં ફાળો ભારતના અને વિદેશ બંનેનાં વ્યક્તિ અને સંગઠનો દ્વારા કરી શકાય છે,” તેમ સૂત્રોએ ઉમેર્યું હતું.
એવું જાણવા મળ્યું છે કે વડાપ્રધાન મોદીએ 30 માર્ચે વિશ્વ ભરમાં ભારતીય રાજદૂતો સાથે તેમની વીડિયો કૉન્ફરન્સિંગમાં આ માહિતી આપી હતી. “આ રોગચાળો અભૂતપૂર્વ છે. જ્યારે વડાપ્રધાને આપણાં મિશનોના વડાઓ સાથે વાત કરી તો તેમણે તેમને પ્રયાસો કરવા કહ્યું જેથી પીએમ-કૅર્સ ફંડમાં ફાળો આપી શકાય.” તેમ એક અધિકારીએ કહ્યું હતું.
વર્ષ 2018માં કેરળમાં વિનાશક પૂર વખતે કેન્દ્રએ કહ્યું હતું કે વિદેશી, ખાસ કરીને યુએઇ અને કતાર દ્વારા કોઈ ફાળો નહીં સ્વીકારાય. તેનાથી રાજ્ય સરકાર સાથે રાજકીય વિવાદ છેડાયો હતો. જે રીતે મનમોહનસિંહ સરકારે વર્ષ 2005માં અંકુશ રેખા પાસે કાશ્મીરમાં મોટો ધરતીકંપ આવ્યો ત્યારે કોઈ પણ આર્થિક સહાય નકારી હતી, તેમજ મોદી સરકારે પૂર પછી પુનર્નિર્માણ અને પુનર્વસન પ્રક્રિયા કરવા માટે બહારની કોઈ પણ મદદ લેવાનો નનૈયો ભણ્યો હતો. વર્ષ 2004ની સુનામી વખતે ભારત પડોશીઓને મદદ કરનારા પૈકી પહેલો હતો. તે વખતે યુપીએ સરકારે ‘ગરીબ દેશ’ના વિશેષણને ફગાવી દેવા કુદરતી આપત્તિ પછી વિદેશી આર્થિક સહાય સ્વીકારવાના ભારતના અગાઉના વલણને બદલી નાખ્યું હતું. અગાઉની મનમોહનસિંહ સરકારે વિદેશી દાનને ના પાડતા તેને વધુ વિનાશ થયો હોય અને જેને સહાયની વધુ જરૂર હોય તેવા દેશોને તે આપવા કહ્યું હતું.
પરંતુ આ વખતે મહામારીનું સ્તર એટલું વધુ છે કે, ભારતને તેના વલણ પર પુનર્વિચાર કરવાની ફરજ પડી છે. આ એવા સમયે પણ છે જ્યારે વડાપ્રધાન મોદીએ નેતૃત્વ કરીને સાર્ક દ્વારા ક્ષેત્રીય સંકલિત પ્રતિભાવ શોધવામાં પહેલ કરી છે અને કૉવિડ-19 કટોકટીમાં જી-20 જેવી બહુસ્તરીય બેઠકમાં ભારતે સક્રિય ભૂમિકા ભજવી છે.
ગત થોડાં અઠવાડિયામાં વડાપ્રધાન મોદીએ ફ્રાન્સ, કતાર, યુએઇ, રશિયા, અફઘાનિસ્તાન, સાઉદી અરેબિયા, યુકે, ઈઝરાયેલના વડાપ્રધાન અથવા પ્રમુખો સાથે તેમજ યુરોપીય પંચના પ્રમુખ સાથે અંગત રીતે વાત કરી છે. વર્ચ્યુઅલ સાર્ક શિખર બોલાવવી અને અસાધારણ ઑનલાઇન જી-20 શિખર યોજવા માટે તેમણે જે પહેલ કરી તે ઉપરાંત ઉપરોક્ત અંગત વાત છે. સાર્ક આપાતકાલીન કૉવિડ ભંડોળ હવે કાર્યરત છે, જેમાં પાકિસ્તાન સિવાય તમામ સભ્ય દેશોએ પોતાનો ફાળો આપ્યો છે. સાર્કને મળેલા અસરકારક પ્રતિભાવનું સંકલન કરવા વરિષ્ઠ આરોગ્ય અધિકારીઓ વચ્ચે વાતચીત પછી દક્ષિણ એશિયાના આ સમૂહના સભ્યોના આરોગ્ય સેવાના ડીજીની એક વર્ચ્યુઅલ બેઠક આ અઠવાડિયામાં થાય તેવી સંભાવના છે.
કૉવિડ-19ને ક્ષેત્રીય અને વૈશ્વિક પ્રતિભાવનું સંકલન કરવા વિદેશ ખાતાના પ્રધાન ડૉ.જયશંકરે યુએસ, યુરોપીય સંઘ, ચીન, શ્રીલંકા, નેપાળ અને અન્યોના પોતાના સમકક્ષો સાથે વાત કરી હતી. સૂત્રોએ કહ્યું હતું કે, મંગળવારે રાત્રે અમેરિકાના વિદેશ ખાતાના પ્રધાન પૉમ્પિયો સાથે જયશંકરની વાતચીતમાં ફસાયેલા ભારતીય વિદ્યાર્થીઓ અને વ્યાવસાયિકોના વિઝાનો પ્રશ્ન પણ ઉઠ્યો હતો. કાબુલના ગુરૂદ્વારામાં લઘુમતી શીખોને લક્ષ્ય બનાવીને કરાયેલા ઘૃણાસ્પદ ત્રાસવાદી હુમલા સહિત અફઘાનિસ્તાનમાં જે પરિસ્થિતિ છે તેના પર પણ ચર્ચા કેન્દ્રિત થઈ હતી, જેમાં પૉમ્પિયોએ સાંત્વના વ્યક્ત કરી હતી.
ચીને ભારતને મદદની દરખાસ્ત કરી તે પ્રશ્ન પર સરકાર બે રીતે વિચારી રહી છે. સ્વતંત્ર સ્રોત તરફથી દાનના રૂપમાં કંઈક રાહત આવી રહી છે અને વ્યાવસાયિક રીતે હાથ ધરવા કેટલીક સામગ્રી પણ પ્રાપ્ય છે. સૂત્રોએ કહ્યું હતું કે વિદેશ ખાતાએ બૈજિંગમાં દૂત વિક્રમ મિસરી દ્વારા વિવિધ સ્રોતો દ્વારા વિવિધ પ્રાપ્ય સામગ્રી ખરીદવા વિચારે છે. જેમાં મેડિકલ પ્રૉટેક્ટિવ ગીયર્સ પર વધુ ધ્યાન આપવામાં આવશે. “અમારો રસ પીપીઇ (પર્સનલ પ્રૉટેક્ટિવ ઇક્વિપમેન્ટ) કિટ, વેન્ટિલેટર, એન-95 અને સર્જિકલ માસ્ક વગેરેમાં છે. તેમની ભારે અછત અને જરૂરિયાત છે અને આપણે જ્યાં ક્યાંયથી તે મળશે ત્યાંથી મેળવવાનું ચાલુ રાખીશું. તાજેતરના સમયમાં ઘરેલુ કંપનીઓને પણ દેશમાં વધી રહેલી માગને પહોંચી વળવા તેમનું ઉત્પાદન વધારવા પ્રોત્સાહિત કરાઈ છે, તેમ છતાં, ઉપરોક્ત પ્રયાસો કરવામાં આવશે.” તેમ એક અધિકારીએ કહ્યું હતું. મહામારી, કૉવિડ સારવારને શોધવામાં પ્રગતિ અને કોરોના પર નોંધની આપ-લે સંબંધિત અગત્યની માહિતીને ઓળખવા ભારત તેનાં મિશનો દ્વારા વિદેશી સરકારો સાથે નજીકથી કામ કરી રહી છે.
દિલ્હીમાં નિઝામુદ્દીનમાં વિવાદાસ્પદ તબલીગી જમાત મરકઝ જેણે ભારતમાં પૉઝિટિવ કેસમાં વધારો કર્યો, તેના ભાગ તરીકે વિદેશી નાગરિકો અંગેના પ્રશ્નના જવાબમાં સૂત્રોએ કહ્યું કે, વિદેશ ખાતાએ દિલ્હીમાં દૂતાવાસો અને મિશનને તેમના નાગરિકોના દરજ્જા અંગે માહિતી આપી છે. “વિદેશ ખાતાએ તબલીગી કેસ પર તમામ દૂતોનો સંપર્ક કર્યો છે અને તેમના નાગરિકોના દરજ્જા વિશે માહિતી આપી છે. જો કોઈ ઉલ્લંઘનો હશે તો પગલાં લેવામાં આવશે.” તેમ એક સૂત્રએ ભારપૂર્વક કહ્યું હતું.
આ દરમિયાન ભારતની અંદર પ્રૉટેક્ટિવ ગીયરની ખરી અછત વચ્ચે સર્બિયામાં મેડિકલ સાધનોની નિકાસ આસપાસ વિવાદ પર સૂત્રોએ ગઈ કાલે સ્પષ્ટતા કરી હતી કે સર્બિયામાં જે ચીજોની નિકાસ કરવામાં આવી તે પ્રતિબંધિત યાદીમાં નહોતી. સૂત્રોએ એમ પણ ભારપૂર્વક કહ્યું કે સંબંધિત સત્તાવાળાઓ તરફથી અનુમતિ સાથે કેસ-દર-કેસના ધોરણે કેટલીક નિયંત્રિત ચીજોની નિકાસ કરી શકાય છે.
ઈરાનમાંથી પાછા લવાયેલા ભારતીયો જેમના ટેસ્ટ પૉઝિટિવ થયા છે તે અંગેના અહેવાલો પર સૂત્રોએ કહ્યું હતું કે ઈરાનમાં તમામ ભારતીયોનું ખસેડાતા પહેલાં ટેસ્ટ કરાયા હતા. “એક આઈસીએમઆર (ઇન્ડિયન કાઉન્સિલ ઑફ મેડિકલ રિસર્ચ) ટીમને કેટલોક સમય રાખવામાં આવી હતી અને તેમના સ્થાનાંતર માટે કેટલીક ભલામણો કરવામાં આવી હતી. પૃથક (ક્વૉરન્ટાઇન) કેન્દ્રોમાં તે પછી પણ ટેસ્ટો કરવામાં આવ્યા હતા. જે લોકોના ટેસ્ટ નેગેટિવ આવ્યા તેમને પરત મોકલવા વ્યવસ્થાઓ કરાઈ હતી. જે લોકો પૉઝિટિવ છે તેઓ સારવાર હેઠળ છે,” તેમ એક અધિકારીએ કહ્યું હતું.
દરમિયાનમાં, 16 માર્ચે અધિક સચિવ દમ્મુ રવિને સંયોજક તરીકે રાખીને વિદેશ ખાતા હેઠળ 24/7 સંકલન વિભાગ સ્થાપિત કરાયો હતો, જે વિશ્વ ભરમાં ફસાયેલા કે અસરગ્રસ્ત ભારતીયોના તકલીફના કૉલ પર જવાબ આપે છે. 16 માર્ચે શરૂ કરાયેલા 24/7 સંકલન વિભાગમાં 75 અધિકારીઓ છે જેમાંના મોટા ભાગના યુવાન પ્રશિક્ષણાર્થીઓ છે, તેમણે અંદાજે 3,300 તકલીફ ફૉન કોલ અને 2,220 ઇ-મેઇલ જેમાં મદદ માગવામાં આવી હતી તેનો અત્યાર સુધીમાં જવાબ આપ્યો છે. આ વિભાગ ફેલાયેલી મહામારીને અને શ્રેષ્ઠ કામગીરીને સમજવા વિશ્વ ભરમાંથી માહિતી એકઠી કરી રહ્યો છે અને સાથે ભારતીય મિશનો જે પડકારો અનુભવે છે તેમને માર્ગદર્શન પણ આપી રહ્યો છે. ભારતમાં રહેલા અસરગ્રસ્ત વિદેશી નાગરિકોને મદદ કરવા માટે રાજ્ય સરકારો માટે આ વિભાગ અગત્યનો સંપર્ક સ્થળ છે તેમ સૂત્રોએ કહ્યું હતું. ભારતે વિવિધ દેશોમાંથી તેના 2,500 નાગરિકોને અત્યાર સુધીમાં ભારત લાવ્યા છે, તેમાં તેના 1,600 નાગરિકો જે વિમાનમથકોમાં પ્રવાસ દરમિયાન ફસાયેલા હતા, તેનો પણ સમાવેશ થાય છે. ભારતે અત્યાર સુધીમાં લગભગ 10,000 વિદેશી નાગરિકોને પરત મોકલવામાં વિદેશી મિશનોને પણ મદદ કરી છે.
- સ્મિતા શર્મા, નવી દિલ્હી