રાષ્ટ્રચિંતનથી સાહિત્ય, ગાંધી, રંગભૂમિ તેમજ તત્ત્વ ચિંતનની સિરિઝનો એક અનોખો કાર્યક્રમ પોરબંદરના સાંદીપની વિદ્યાનિકેતનમાં ૧૮મીથી શરૂ થઈ રહ્યો છે. જેમાં પ્રથમ દિવસે સાંજે પાંચથી રાષ્ટ્રચિંતન પર સુબ્રમણ્યમ સ્વામી વક્તવ્ય આપશે. જેમાં રાષ્ટ્રના વર્તમાન પ્રશ્નો અને પ્રવાહો પર તેઓ પોતાનું અભ્યાસપૂર્ણ વક્તવ્ય આપશે. આજે રાત્રે ૮થી ૧૦ વાગ્યા સુધી કવિ મિલન યોજાશે. જેમાં રાજેન્દ્ર શુક્લ, રાજેશ વ્યાસ ‘મિસ્કીન’, મેહુલ દેવકલા, હિતેન આનંદપરા, મિલિન્દ ગઢવી, પારુલ ખખ્ખર, દીપક ત્રિવેદી, સ્નેહલ જોશી, પ્રાર્થના જ્હા કાવ્ય સંગોષ્ઠિ કરશે.
મંગળવારે સવારે ૧૦થી ૧૨.૩૦ સુધી સાહિત્ય ચિંતન થશે. જેમાં દિનકર જોશી ‘સાહિત્ય:અદ્યાત્મનો રાજમાર્ગ’, ભદ્રાયુ વછરાજાની (સાહિત્ય અને સામાજિક નિસબત), રતિલાલ બોરીસાગર (હાસ્ય અને ચિંતન), કાજલ ઓઝા વૈદ્ય સાહિત્ય ચિંતન કરશે. સાંજે ૪થી ૬.૩૦ દરમિયાન ગાંધી ચિંતન થશે. જેમાં નરોત્તમ પલાણ ‘ગાંધીજી આપણો ઇતિહાસબોધ’, જ્વલંત છાયા ‘ગાંધી એક કમ્યુનિકેટર’, જય વસાવડા ‘ગાંધી મારા દોસ્ત’, મનસુખ સલ્લા ‘ગાંધી અને નવી તાલીમ: આધુનિક સંદર્ભમાં’ વિષય પર ચિંતન કરશે. રાત્રિના જૂની રંગભૂમિના ગીતોનો કાર્યક્રમ યોજાશે. જેમાં ઉત્કર્ષ મઝુમદાર તથા અર્ચન ત્રિવેદી જૂના ગીતોની સૂરાવલી છેડશે.
જયારે બુધવારે ત્રીજા દિવસે સવારે ૧૦થી ૧૨.૩૦ દરમિયાન વિજય પંડ્યા ‘અદ્વૈત સિદ્ધાંત: ઉપનિષદનું વૈચારિક ગૌરીશિખર’, ગોપબંધુ મિશ્રા ‘યત્ પિંડે તત્ બ્રહ્માંડે’, સુભાષ ભટ્ટ ‘રહસ્યનો આનંદ અને આનંદનું રહસ્ય, અને ભાગ્યેશ જ્હા ‘ટેક્નોસ્પિરિચ્યુઆલિટી: એક શક્યતા’ વિષય પર ચિંતન કરશે.