- દિલ્હી હાઈકોર્ટમાં વોટ્સએપની નવી પ્રાઈવસી પોલિસી અંગે થઈ પિટિશન
- દિલ્હી હાઈકોર્ટે પિટિશન પર સુનાવણી કરતા કહ્યું, વોટ્સએપ એક ખાનગી એપ છે
- પિટિશનરને વોટ્સએપની પોલિસીથી વાંધો હોય તો તેનો ઉપયોગ ન કરેઃ દિલ્હી હાઈકોર્ટ
દિલ્હીઃ દિલ્હી હાઈકોર્ટમાં સુનાવણી દરમિયાન અરજીકર્તાએ જણાવ્યું હતું કે, વોટ્સએપ યુઝર્સની ખાનગી માહિતી એકત્રિત કરે છે અને તેનો તેમની જાણ બહાર ઉપયોગ કરે છે. બ્રિટન અને અમેરિકામાં વોટ્સએપ નવી પ્રાઈવસી પોલિસીના ઉપયોગ માટે વિકલ્પો આપી રહ્યું છે, પરંતુ ભારતમાં તેના ઉપયોગ માટે કોઈ વિકલ્પ નથી આપવામાં આવ્યો. વોટ્સએપ તરફથી હાજર રહેલા વરિષ્ઠ વકીલ મુકુલ રોહતગીએ જણાવ્યું કે, એપ સંપૂર્ણ રીતે સુરક્ષિત છે. સુનાવણી દરમિયાન કોર્ટે કહ્યું હતું કે, ફક્ત વોટ્સએપ જ નહીં પરંતુ દરેક પ્લેટફોર્મ આવું કરી રહ્યા છે. કોર્ટે પિટિશનરને પૂછ્યું હતું કે, શું તમે કહી શકો છો કે ગૂગલ મેપ પણ ડેટા શેર કરી રહ્યું છે. શું તમે વોટ્સએપની શરતો વિશે વાંચ્યું છેય
વોટ્સએપે કોર્ટને કર્યો હતો ઈ-મેલ
15મી જાન્યુઆરીએ આ મામલાની સુનાવણી જસ્ટિસ પ્રતિભાસિંહની બેંચ સમક્ષ કરવામાં આવવાની હતી, પરંતુ તેમણે આ સુનાવણીથી કિનારો કરી લીધો હતો. 15 જાન્યુઆરીએ જસ્ટિસ પ્રતિભાસિંહે આ મામલાને લઈને કોર્ટને મોકલાયેલા ઈમેલ પર વાંધો ઊઠાવતા તેઓ પોતે આ સુનાવણીથી અલગ થઈ ગયા હતા. જોકે, વોટ્સએપ તરફથી કોર્ટને એક ઈમેલ પણ મોકલવામાં આવ્યો હતો. આ મેલમાં કહેવામાં આવ્યું હતું કે, જસ્ટિસ પ્રતિભાસિંહ આનાથી જોડાયેલા મામલે એક વકીલ તરીકે સામે આવી ગયા છે. જોકે, વોટ્સએપે ઈમેલ પરત લઈ લીધો હતો.
દરેક ઓનલાઈન ગતિવિધિઓ પર દેખરેખ રાખવામાં આવશે
કોર્ટમાં આ અરજી વકીલ ચૈતન્ય રોહિલ્લાએ દાખલ કરી છે. આ પિટિશનમાં કહેવામાં આવ્યું છે કે, વોટ્સએપની નવી પ્રાઈવસી પોલિસીથી લોકોની પ્રાઈવસીના અધિકારનું ઉલ્લંઘન થઈ રહ્યું છે અને દેશની રાષ્ટ્રીય સુરક્ષાને જોખમ છે. આ ઉપરાંત અરજીમાં કહેવામાં આવ્યું કે, વોટ્સએપની નવી પ્રાઈવસી પોલિસી કોઈ યુઝરની તમામ ઓનલાઈન ગતિવિધિઓ પર દેખરેખ રાખવા માટે તૈયાર કરવામાં આવી છે. પિટિશનમાં વોટ્સએપની નવી પ્રાઈવસી પોલિસીને અપડેટ કરવાની જોગવાઇ તાત્કાલિક રોકવા માગ કરાઈ છે.
વોટ્સએપ ફેસબુક સાથે ડેટા શેર કરશે
વોટ્સએપની પ્રાઈવસી પોલિસી મુજબ, તેઓ યુઝરનો ડેટા કોઈ ત્રીજા પક્ષને શેર ન કરવાના અધિકારને છીનવી લે છે. જો વોટ્સએપ યુઝર્સનો ડેટા ફેસબુક સાથે શેર કરશે તો આનો મતલબ એ છે કે, દરેક બીજા યુઝરનો ડેટા સંગ્રહ કરશે અને એક રીતે તે ફેસબુક અને તેની કંપનીઓની નજર હેઠળ રહેશે. આવું કરવું ગેરકાયદેસર છે. વોટ્સએપના યુઝર એકબીજાને સંદેશ આપવા માટે આ એપનો ઉપયોગ કરી રહ્યા છે.
4 જાન્યુઆરીએ નવી પ્રાઈવસી પોલિસી અપડેટ થઈ હતી
આપને જણાવી દઈએ કે, ગઈ 4 જાન્યુઆરીએ વોટ્સએપે પોતાની પ્રાઈવસી પોલિસી અપડેટ કરી હતી. અને પોતાના યુઝર્સને તે સ્વીકારવા માટે કહ્યું હતું. વોટ્સએપે કહ્યું હતું કે, જો યુઝર પોતાની પ્રાઈવસી પોલિસીને નહીં સ્વીકારે તો 8 ફેબ્રુઆરી પછી તેની સેવા બંધ કરી દેવામાં આવશે. વોટ્સએપની નવી પ્રાઈવસી પોલિસી યુરોપમાં લાગુ નથી કરવામાં આવી. યુરોપમાં ડેટા પ્રોટેક્શનનો કાયદો પણ છે.