નવી દિલ્હી: સુનાવણી દરમિયાન અરજદારના વકીલ ગુંજનસિંહે કહ્યું હતું કે, જેની પાસે લેપટોપ અને ઇન્ટરનેટ નથી. તેમની ઓનલાઇન પરીક્ષા નિષ્ફળ જશે. તેમણે કહ્યું કે, આ બાબત માત્ર પરીક્ષાની જ નથી, હકીકત એ છે કે, અહીં કોઈ અભ્યાસના વર્ગો પણ નથી થઇ રહ્યા. ત્યારે કોર્ટે કહ્યું કે, તમે છેલ્લી ઘડીએ આવી શકતા નથી.
અમે દરેક કોલેજની તપાસ કરી શકતા નથી - જસ્ટિસ સુબ્રમણ્યમ પ્રસાદે સુનાવણી દરમિયાન કહ્યું કે, ઘણી લો કોલેજએ આંતરિક આકારણી પણ કરી નથી. ફક્ત નેશનલ લો યુનિવર્સિટીએ આંતરિક આકારણી કરી છે. આ પ્રોફેશનલ અભ્યાસક્રમો છે, અંડરગ્રેજ્યુએટ કોર્સ નથી. જ્યારે અરજદાર એ કહેવામાં નિષ્ફળ રહ્યા કે, લો સ્કૂલમાં કેટલા અભ્યાસના વર્ગો યોજાયા, ત્યારે કોર્ટે કહ્યું કે, અમે દરેક કોલેજની તપાસ કરી શકતા નથી.
સુનાવણી દરમિયાન, બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયા (બીસીઆઈ) ના વકીલ પ્રીત પી સિંહે કહ્યું કે, લો કોલેજ ઓનલાઇન પરીક્ષા ઉપરાંત અન્ય મોડમાં પણ પરીક્ષા લઈ શકે છે. બીસીઆઈનું જાહેરનામું વિદ્યાર્થીઓના હિતમાં છે. વર્ગોનું આયોજન કરવામાં આવ્યું છે કે કેમ તે ફક્ત કોલેજો જ કહી શકે છે. ત્યારબાદ કોર્ટે અરજદારને પૂછ્યું કે, તમે દિલ્હી યુનિવર્સિટીને જ કેમ પક્ષકાર બનાવ્યા છે,જ્યારે અન્ય અરજકર્તા કર્ણાટક યુનિવર્સિટીમાં અભ્યાસ કરે છે. ત્યારબાદ એડવોકેટ ગુંજન સિંહે કહ્યું કે, અમે બીસીઆઈની નોટિફિકેશનને પડકાર આપી રહ્યા છીએ. તેમણે કહ્યું કે, જ્યારે અભ્યાસના વર્ગો જ ન થયા હોય ત્યારે પરીક્ષાઓ કેવી રીતે લઈ શકાય.
આ અરજી કાયદાના બે વિદ્યાર્થીઓ વિશ્વાસ ત્રિપાઠી અને પુરાબયન ચક્રવર્તી દ્વારા કરવામાં આવી હતી. અરજદારો વતી વકીલ ગુંજન સિંહ અને પ્ર્ર્જ્ઞા ગંજુએ અરજીમાં કહ્યું હતું કે, બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાએ 27 મેના રોજ દેશભરની તમામ લો યુનિવર્સિટીઓમાં ઓનલાઇન પરીક્ષા લેવા માટે એક માર્ગદર્શિકા બહાર પાડી હતી. અરજીમાં કહેવામાં આવ્યું હતું કે,દિલ્હી યુનિવર્સિટીએ પણ 27 જૂને એક નોટિફિકેશન દ્વારા કહ્યું હતું કે, તમામ પરીક્ષાઓ ઓપન બુક મોડમાં લેવામાં આવશે. અરજીમાં કહેવામાં આવ્યું છે કે, ઇન્ટરનેટ કનેક્શન ધરાવતા કાયદા (લો)ના માત્ર 25 ટકા વિદ્યાર્થીઓ પાસે સ્માર્ટફોન અને કમ્પ્યુટર છે.
અરજીમાં કહેવામાં આવ્યું છે કે, જો ઓનલાઇન પરીક્ષા યોજવાનો આદેશ કરવામાં આવે તો, 75 ટકા વિદ્યાર્થીઓ સાથે ભેદભાવ થશે. પરીક્ષા માટે અપાયેલી ઓનલાઇન ટ્રેનિંગમાં પણ, ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હતો. પરંતુ ઘણા એવા ગરીબ વિદ્યાર્થીઓ છે, જેમને ઇન્ટરનેટની સુવિધા નથી. આનો અર્થ એ કે,જો ઓનલાઇન પરીક્ષા યોજાય, તો ગરીબ વિદ્યાર્થીઓ માટે પરીક્ષા લેવામાં આવશે નહીં, પરંતુ પહેલાની પરીક્ષાના આધારે તે વિદ્યાર્થીઓને ફક્ત સરેરાશ ગુણ આપવામાં આવશે.