ન્યૂઝ ડેસ્ક: એક નવા સર્વે અનુસાર, પ્રત્યેક ત્રણમાંથી એક વાલીએ પીયર સપોર્ટ લીડર્સ (સમવયસ્ક સહાય આગેવાનો) જેવા માનસિક આરોગ્ય કાર્યક્રમો ધરાવતી શાળાઓનું મક્કમપણે સમર્થન કર્યું હતું.
આ સર્વે સૂચવે છે કે, પાંચમાંથી એક ટીનેજરમાં ડિપ્રેશન અથવા વ્યગ્રતા જેવી માનસિક આરોગ્યની સમસ્યાઓનાં લક્ષણો જોવા મળ્યાં છે અને આત્મહત્યા એ ટીનેજર્સમાં મૃત્યુનું બીજું અગ્રણી કારણ છે.
પરંતુ, તરૂણોને જેના પર વિશ્વાસ બેસે, તેવી વ્યક્તિ હંમેશા પુખ્ત વયની જ હોય તે જરૂરી નથી – તેઓ તેમની જ વયના અન્ય ટીનેજર સાથે વાત કરવાનું પસંદ કરે, તે શક્ય છે. "સમવયસ્કો સાંવેદનિક સમસ્યાઓ ધરાવનારા ટીનેજર્સને જરૂરી સહાય પૂરી પાડી શકે છે, કારણ કે તેઓ એકમેકને પરસ્પર સાંકળી શકે છે," તેમ અમેરિકા સ્થિત યુનિવર્સિટી ઓફ મિશિગનનાં સારાહ ક્લાર્કે એક યાદીમાં જણાવ્યું હતું.
"કેટલાંક ટીનેજર્સને એવી ચિંતા સતાવતી હોય છે કે તેમનાં માતા-પિતા વધુ પડતી પ્રતિક્રિયા આપશે અથવા તો પોતે જે તબક્કામાંથી પસાર થઇ રહ્યા છે, તેને બરાબર સમજશે નહીં. શિક્ષકો અને સ્કૂલ કાઉન્સેલર્સ અગાઉથી જ અન્ય જવાબદારીઓ ધરાવતા હોવાથી તેમની પાસે પણ વિદ્યાર્થીઓ સાથે વાત કરવા માટે મર્યાદિત સમય હોય છે," તેમ ક્લાર્કે ઉમેર્યું હતું.
મિશિગન મેડિસન ખાતે સી. એસ. મોટ્ટ ચિલ્ડ્રન્સ હોસ્પિટલ દ્વારા હાથ ધરાયેલા બાળકોના આરોગ્ય અંગેના રાષ્ટ્રીય સર્વે અનુસાર, ત્રીજા ભાગનાં માતા-પિતા વિચારે છે કે, ટીનેજર્સ સામેના પડકારોને શાળાના શિક્ષકો કે કાઉન્સેલર્સની તુલનામાં તેમના સમવયસ્કો બહેતર રીતે સમજી શકે છે.
મોટાભાગનાં માતા-પિતા એ વાત સાથે પણ સંમત થયાં હતાં કે, શાળામાં પીયર સપોર્ટ લીડર્સ વધુને વધુ ટીનેજર્સને તેમની માનસિક આરોગ્યને લગતી સમસ્યાઓ વિશે કોઇને વાત કરવા માટે ઉત્તેજન આપશે.
સર્વેમાં માલૂમ પડ્યું હતું કે, 38 ટકા માતા-પિતા વિચારે છે કે, જો તેમનું પોતાનું જ બાળક માનસિક સમસ્યા ધરાવતું હોય, તો તે તેના પીયર સપોર્ટ લીડર સાથે આ વિશે વાત કરવાનું પસંદ કરશે, જ્યારે 41 ટકા માતા-પિતાએ જણાવ્યું હતું કે, તેમનું ટીનેજર બાળક આ વિકલ્પનો લાભ ઊઠાવે, તે શક્ય છે.
બીજી તરફ, 21 ટકા વાલીઓએ જણાવ્યું હતું કે, તેમનું બાળક પીયર સપોર્ટ લીડરની મદદ માંગે, તે શક્યતા નહિવત્ છે. રાષ્ટ્રીય પ્રતિનિધિ સર્વેના આ અહેવાલમાં 13થી 18 વર્ષની વચ્ચેના ટીનેજર્સનાં 1,000 વાલીઓએ પીયર સપોર્ટ લીડર જેવા કાર્યક્રમો વિશે વ્યક્ત કરેલા તેમના વિચારોના પ્રતિભાવોને સામેલ કરવામાં આવ્યા છે.