નવી દિલ્હી: કેન્દ્રીય ખાદ્ય અને ગ્રાહક બાબતોના પ્રધાન રામવિલાસ પાસવાને ગુરુવારે લોકોને ચીની ઉત્પાદનોનો બહિષ્કાર કરવાની અપીલ કરી છે. આ સાથે, તેમણે તેમના મંત્રાલયના અધિકારીઓને સૂચના આપી કે ઑફિસમાં દૈનિક ઉપયોગ માટે કોઈપણ ચાઇનીઝ ઉત્પાદનો ન ખરીદવા. પાસવાનનું આ નિવેદન ભારત અને ચીન વચ્ચેની સરહદ પર વધતા તણાવ વચ્ચે આવ્યું છે.
પાસવાને કહ્યું, "હું દરેકને અપીલ કરવા માગું છું કે ચાઇના જે રીતે વર્તન કરે છે તે રીતે આપણે તમામ ચીની ઉત્પાદનોનો બહિષ્કાર કરવો જોઈએ."
તેમણે કહ્યું કે, કેન્દ્ર સરકાર ચીનથી આયાત કરાયેલા ઉત્પાદનો પર બ્યૂરો ઑફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ્સ (બીઆઈએસ)ના ગુણવત્તાના ધોરણોને કડક અમલ કરશે. પત્રકારો સાથે વાત કરતાં તેમણે ચીન તરફથી આવતા દીવા અને ફર્નિચર જેવા સ્તર વગરના ઉત્પાદનોની ગેરકાયદેસર આયાત કરવા અંગે ચિંતા વ્યક્ત કરી હતી.
તેમણે કહ્યું કે, સરકાર બીઆઈએસ દ્વારા નિર્ધારિત ગુણવત્તાના નિયમોને કડક અમલ કરશે. ગ્રાહક બાબતોના મંત્રાલયના નેતૃત્વ હેઠળ, બીઆઈએસએ વિવિધ ઉત્પાદનો માટે અત્યાર સુધીમાં 25,000થી વધુ ગુણવત્તાના નિયમો ઘડ્યા છે.
તેમણે વધુમાં કહ્યું, "જ્યારે આપણો માલ વિદેશમાં પહોંચે છે ત્યારે તેમની તપાસ કરવામાં આવે છે. બાસમતી ચોખાની નિકાસનો આપણો માલ રદ કરવામાં આવે છે, પરંતુ જ્યારે તેમનો માલ ભારતમાં આવે છે, ત્યારે ગુણવત્તા પર કોઈ કડક નિયંત્રણ નથી. "