નવી દિલ્હી: સંસદનું આગામી ચોમાસું સત્ર 14 સપ્ટેમ્બરથી શરૂ થશે. આ સત્ર 1 ઓક્ટોમ્બર સુધી ચાલી શકે છે. કોવિડ-19 મહામારીની વચ્ચે આ બેઠકમાં સોશિયલ ડિસ્ટન્સના પાલન સાથે અલગ અલગ બેઠક અને સાંસદો માટે મોટી ડિસ્પલેવાળી સ્ક્રીન સહિતની અન્ય વ્યવસ્થા કરવામાં આવી રહી છે. સૂત્રોની જાણકારી અનુસાર, આ સત્ર દરમિયાન કુલ 18 બેઠક યોજાશે.
આમ, બંને ગૃહોની કાર્યવાહી શનિવાર અને રવિવારે પણ થશે. ચોમાસા સત્રને લઇને જોરદાર તૈયારીઓ ચાલી રહી છે. કારણ કે, કોરોના મહામારીમાં સંસદીય ઇતિહાસમાં ધણું બધું પ્રથમ વખત થવા જઇ રહ્યું છે. સોશિયલ ડિસ્ટન્સના પાલન કરવા માટે નવી વ્યવસ્થા કરવામાં આવી છે. સભ્યોને બેસવા માટે ગૃહ ચેમ્બરના ખંડ અને ગેલેરીનો ઉપયોગ કરવામાં આવી શકે છે.
રાજ્યસભા સચિવાલયના જણાવ્યા અનુસાર, સત્રની કાર્યવાહી દરમિયાન સદનના સભ્યો ગૃહ ચેમ્બરમાં અને ગેલેરીમાં બેસશે. બંને ગૃહોમાં એક સાથે બેઠક થતી હતી, પરંતુ સૂત્રોનું કહેવું છે કે, આ વખતે કોરોના પરિસ્થિતિને ધ્યાનમાં લઇને એક ગૃહ સવારના સમયે બેસશે અને બીજાની કાર્યવાહી સાંજે થશે.
ભારતીય સંસદના ઇતિહાસમાં પહેલી વખત આ પ્રકારની વ્યવસ્થા હશે. જ્યાં 60 સભ્યો ગૃહ ચેમ્બરમાં બેસશે અને 51 સદસ્ય રાજ્યસભાની ગેલેરીમાં બેસશે. આ ઉપરાંત બાકીના 131 સભ્યો લોકસભાના ગૃહ ચેમ્બરમાં બેસશે.