- વંદે ભારત મિશન અંતર્ગત 20 લાખથી વધુ ભારતી પરત ફર્યા
- કોરોના વાઇરસ મહામારીના પગલે લેવાયો નિર્ણય
- સરકારે 7 મેંના રોજ વંદે ભારત મિશન શરૂ કર્યું
નવી દિલ્હી : વિદેશ મંત્રાલયે ગુરુવારે જણાવ્યું હતું કે, કોરોના વાઇરસ મહામારીના પગલે સરકારે 7 મેંના રોજ વંદે ભારત મિશન શરૂ કર્યું હતું. ત્યારથી બે લાખથી વધુ ભારતીય અન્ય દેશોમાંથી પરત ફર્યા છે.
વિદેશ મંત્રાલયના પ્રવક્તા અનુરાગ શ્રીવાસ્તવનું નિવેદન
વિદેશ મંત્રાલયના પ્રવક્તા અનુરાગ શ્રીવાસ્તવે કહ્યું કે, 1 ઓક્ટોબરથી શરૂ થતા મિશનના સાતમાં તબક્કા અંતર્ગત, આ મહિનાના અંત સુધીમાં 247 દેશોમાંથી 1057 આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ ચલાવવામાં આવશે. 195000 લોકો આવશે તેવો અંદાજ છે. તેમણે એક ઓનલાઇન પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે, "અમે આગલા તબક્કાની તૈયારી શરૂ કરી દીધી છે."
એર બબલ કરાર કરાયો
તેમણે કહ્યું કે, ગુરુવાર સુધીમાં વંદે ભારત મિશન અંતર્ગત 20.55 લાખ ભારતીયો એર ઇન્ડિયા, ખાનગી અને વિદેશી એરલાઇન્સ, ચાર્ટર્ડ પ્લેન, શિપ વગેરે હેઠળ પરત ફર્યા હતા. જ્યારે બાંગ્લાદેશ સાથે એર બબલ કરાર અંગે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું કે, 29 સપ્ટેમ્બરના રોજ બંને દેશોના વિદેશ પ્રધાનો વચ્ચેની વાતચીત દરમિયાન બંને પક્ષના પ્રવાસીઓની જરૂરિયાતોને પહોંચી વળવા માટે 'એર બબલ' હેઠળના વિમાનને સંમતિ આપવામાં આવી હતી.