ભુવનેશ્વર : નેશનલ એલીજીબીલીટી કમ ઈન્ટરેસ્ટ એક્ઝામ (NEET) ની પરીક્ષાનું પરિણામ 16 ઓક્ટોબરના રોજ જાહેર થયું હતું. આ વર્ષે શોએબ આફતાબ NEET ની પરીક્ષામાં ટોપર રહ્યો છે. શોએબે NEET પરીક્ષામાં 720 માંથી 720 મેળવીને ઇતિહાસ રચ્યો છે. આ સિવાય શોએબે ઓડિશામાં પહેલીવાર નીટ ટોપર બનીને બીજો ઇતિહાસ રચ્યો છે. 100 ટકા ગુણ મેળવનાર શોએબનો પરિવાર તેમના પુત્રની મહેનત અને જુસ્સાથી ખૂબ જ ખુશ છે.
NEET 2020ની પરીક્ષા કોવિડ-19 રોગચાળા વચ્ચે 13 સપ્ટેમ્બરના રોજ રાષ્ટ્રીય પરીક્ષણ એજન્સી દ્વારા લેવામાં આવી હતી. આ પરીક્ષણ કોરોના સંકટ વચ્ચે યોજાઇ હતી. આવી સ્થિતિમાં, વિવિધ રાજ્ય સરકારો દ્વારા આ વર્ષે મફત પરિવહન અને આવાસની જાહેરાત કરવામાં આવી હતી. આરોગ્ય મંત્રાલયની માર્ગદર્શિકા અનુસાર, કોરોના પોઝિટિવ વિદ્યાર્થીઓ આ વખતે પરીક્ષા આપી શક્યા ન હતા. જે બાદ વિદ્યાર્થીઓએ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી.
NEET પરીક્ષા દ્વારા દેશભરની મેડિકલ કોલેજોને MBBS અને BDSમાં પ્રવેશ મળે છે. આમાં, ઓલ ઇન્ડિયા રેન્કિંગ મુજબ, દેશની ટોચની તબીબી સંસ્થાઓમાં પ્રવેશ મળે છે. આ વખતે કોરોનાને લીધે, કન્ટેનમેન્ટ ઝોનના પરીક્ષા કેન્દ્રો પણ રદ કરવામાં આવ્યા હતા. આરોગ્ય મંત્રાલયની તમામ માર્ગદર્શિકાને ધ્યાનમાં રાખીને, આ પરીક્ષા દેશભરમાં લેવામાં આવી હતી.
આ અગાઉ 12 ઓક્ટોબરના રોજ NEET નું પરિણામ જાહેર થાય તેવી આશા હતી. જોકે કોવિડ -19 ના કારણે NEET ઉમેદવારોને તક આપવા માટે પરીક્ષાનું પરિણામ 16 ઓક્ટોબરના રોજ નક્કી કરાયું હતું. NEETની પરીક્ષા 13 સપ્ટેમ્બરના રોજ લેવામાં આવી હતી. પરીક્ષા માટે 15.97 લાખ ઉમેદવારોએ રજિસ્ટ્રેશન કરાવ્યું હતું. જેમાં 90 ટકા વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. કોરોના સંક્રમિત અને કન્ટેનમેન્ટ ઝોનમાં રહેનાર વિદ્યાર્થીઓ પરીક્ષા ન આપી શક્યા હોવાથી તેમને છૂટ આપવામાં આવી હતી અને 14 ઓક્ટોબરના રોજ પરીક્ષા પૂર્ણ થઇ હતી. સુપ્રીમ કોર્ટે 14 ઓક્ટોબરના રોજ પરીક્ષા લેવાની મંજૂરી આપી હતી.