ઓડિશાઃ ઓડિશામાં આજે કોવિડ-19ના 571 નવા કેસો નોંધાયા બાદ આજે ચેપગ્રસ્ત લોકોની સંખ્યા 10,000ને વટાવી ગઈ છે. તે જ સમયે, આ રોગચાળાથી વધુ 4 લોકોના મોત પછી, મૃતકોની કુલ સંખ્યા વધીને 42 થઈ ગઈ છે. આરોગ્ય વિભાગના એક અધિકારીએ જણાવ્યું હતું કે, રાજ્યમાં ચેપગ્રસ્ત લોકોની કુલ સંખ્યા 10,097 છે. રાજ્યમાં નવા કેસ 21 જિલ્લામાંથી આવ્યા છે. ગંજામમાં 3 અને કટકમાં એકનું મોત થયું છે.
70 અને 60 વર્ષનાં ગંજામમાં મૃત્યુ પામેલા બે માણસો ડાયાબિટીઝથી પીડિત હતા. જિલ્લામાં બીજા 53 વર્ષીય વ્યક્તિનું મોત નીપજ્યું હતું. કોવિડ -19માં ચેપગ્રસ્ત વધુ 2 લોકોના મોત નીપજ્યાં હતા. પરંતુ આરોગ્ય વિભાગે તેમના મોતનું કારણ કેન્સર ગણાવ્યું છે. આ સાથે, રાજ્યમાં એવા 12 દર્દીઓ છે જેમને કોરોનાનું સંક્રમણ હતું પણ મૃત્યુ અન્ય કારણોસર થયું હતું.
અધિકારીએ જણાવ્યું હતું કે, ગંજામ જિલ્લામાં કોરોના વાઈરસથી અત્યાર સુધી 24 લોકોનાં મોત નીપજ્યાં છે. ખુર્દામાં 7, કટકમાં 5, અંગુલ, બારગઢ, ગજપતિ, જાજપુર, પુરી અને સુંદરગઢમાં એક-એક વ્યક્તિનાં મોત થયાં છે. રાજ્યમાં નવા 571 કેસમાંથી 403 વિવિધ ક્વૉરન્ટીન સેન્ટરોમાંથી નોંધાયા છે અને 168 સ્થાનિક ચેપગ્રસ્ત લોકોના સંપર્કમાં આવ્યા છે.
તેમણે કહ્યું કે આ લોકોના સંપર્કની માહિતી સહિત અન્ય પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. ગંજામમાં મહત્તમ 273 નવા કેસ નોંધાયા છે. આ પછી ગજાપતિમાં, 56, સુંદરગઢમાં 51, ખુરદામાં 37, કટકમાં 29, બાલાસોરમાં 28, જગતસિંગપુરમાં 17, જાજપુરમાં 16, મયુરભંજમાં 14 અને રાયગઢમાં 10 કેસ નોંધાયા છે. રાજ્યમાં 3,557 દર્દીઓ સારવાર હેઠળ છે અને 6,486 દર્દીઓ સ્વસ્થ થયા છે. મંગળવારથી ભુવનેશ્વર, કટક અને ગંજામમાં સેરોલોજી સર્વે શરૂ થશે.