વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવીશ કુમારે કહ્યું કે, અમે પાકિસ્તાની સેના દ્વારા અકારણે યુદ્ધવિરામના ઉલ્લંઘન પર પોતાની ચિંતા વ્યક્ત કરી હતી. જેમાં સીમા પાર આતંકવાદી ઘુસણખોરીના સમર્થન અને તેના દ્વારા ભારતીય નાગરિકો અને સીમાના ચોકીઓને નિશાન બનાવવાનો સમાવેશ થાય છે.
તેમણે કહ્યું કે, આ વર્ષે પાકિસ્તાન દ્વારા 2050 વખત યુદ્ધવિરામનું ઉલ્લંઘન કરવામાં આવ્યું હતું. કુમારે વધુમાં જણાવ્યું કે, ભારતે પાકિસ્તાનને ઘણીવાર કહ્યું કે, પાક સેના 2003 યુદ્ધવિરામની સમજૂતી પર અમલ કરે અને નિયંત્રણ રેખા અને આંતરરાષ્ટ્રીય સીમાની સાથે શાંતિ બનાવી રાખે. રવીશ કુમારે કહ્યું કે, ભારતીય સેના વધારે જ સંયમ રાખે છે અને સીમા પર આતંકવાદી ઘુસણખોર અને યુદ્ધવિરામના ઉલ્લંઘનના પ્રયાસોને જવાબ આપતી રહે છે.
વિદેશ મંત્રાલયનું આ નિવેદન ત્યારે આવ્યું જ્યારે હાલમાં જ પાકિસ્તાને નિયંત્રણ રેખા LOC પાસે માર્યા ગયેલા પોતાના સૈનિકોના મૃતદેહ લઇ જવા માટે સફેદ ધ્વજ બતાવ્યો હતો. 13 સપ્ટેમ્બરે પાક સૈનિક મૃતદેહ નિયંત્રણ રેખાની નજીકથી લઇ ગયા હતા. ભારતીય સેનાના અધિકારીએ જણાવ્યું કે, પાકિસ્તાને બે દિવસ સુધી બળપ્રયોગથી મૃતદેહ લઇ જવાના પ્રયત્નો કર્યા હતા પરંતુ ભારતીય સેનાએ તેના આ પ્રયત્નને નાકામ કર્યો હતો. વધુમાં જણાવીએ તો જમ્મુ-કાશ્મીરના કેરન સેક્ટરમાં જુલાઇના છેલ્લા અઠવાડિયામાં માર્યા ગયેલા ઘુસણખોરના મૃતદેહ હજૂ પણ ત્યાં પડ્યા છે.
શનિવારે સેનાના ઉતરી કમાનના કમાન્ડર લેફ્ટનન્ટ જનરલ રનબીરસિંહે પાકિસ્તાન તરફના ખતરાને ધ્યાને રાખીને LOC પાસે સુરક્ષાની તૈયારીઓની સમીક્ષા કરી હતી. આ પહેલા સેનાના પ્રમુખ જનરલ બિપિન રાવતે નિયંત્રણ રેખા પર ભારતની તૈયારીઓની સમિક્ષા કરવા માટે ઘાટીની મુલાકાત કરી હતી. મહત્વનું છે કે, સેનાના સુત્રો મુજબ સપ્ટેમ્બરના પ્રથમ અઠવાડિયામાં પાકિસ્તાને નિયંત્રણ રેખા LOCથી 30 કિમી દૂર પોતાના ક્ષેત્રમાં એક બ્રિગેડના આકારની સેનાને તૈનાત કરી હતી.