ઓરંગાબાદ: ફિલ્મ અભિનેત્રી અમીષા પટેલે એક ઓડિયો બહાર પાડી એલજેપીના ચૂંટણી લડી રહેલા ચંદ્ર પ્રકાશ અને તેમના સમર્થકો પર કેટલાંય ગંભીર આરોપ લગાવ્યા હતા. ત્યારબાદ ચંદ્ર પ્રકાશની ચર્ચા દેશભરની તમામ ટીવી ચેનલો અને અખબારોમાં થઈ હતી.
ચંદ્ર પ્રકાશ સાથે હવે કોઇ વાંધો નથી
એલજેપી નેતા ચંદ્ર પ્રકાશ પર ગંભીર આરોપ લગાવનાર અમીષા પટેલનો સૂર હવે બદલાઇ ગયો છે. અમીષા પટેલે હાલ એક વધુ વીડિયો બહાર પાડ્યો છે. જેમાં તેમણે ચંદ્ર પ્રકાશ સાથે કોઇ વાંધો ન હોવાની વાત કરી હતી.
ચંદ્ર પ્રકાશે ઘટના પર દિલગીરી વ્યકત કરી
અમીષા પટેલે એક નિવેદન બહાર પાડીને કહ્યું કે, ચંદ્ર પ્રકાશના પ્રશંસકો દ્વારા જે અસુવિધા થઇ હતી તેના માટે ચંદ્ર પ્રકાશે દિલગીરી વ્યકત કરી છે. હવે તેમને તેમની સાથે કોઈ વાંધો નથી. અમીષાએ વીડિયોના અંતમાં 'જય હિન્દ' કહીને તેની વાત સમાપ્ત કરી.
પહેલાં લગાવ્યો હતો દુર્વ્યવહારનો આરોપ
અમીષા પટેલે ઓડિયોમાં આક્ષેપ કર્યો હતો કે, 26 ઓક્ટોબરે એલજેપીના ઉમેદવાર ડૉ. ચંદ્ર પ્રકાશના પક્ષમાં ઓબરા વિધાનસભા ક્ષેત્રમાં રોડ શો માં ગઇ હતી. રોડ શો દરમિયાન તેની સાથે દુર્વ્યવહાર કરવામાં આવ્યો હતો. ઉમેદવારે ધમકી પણ આપી હતી. તેમણે એલજેપી સમર્થકો પર પણ આરોપ લગાવ્યો હતો કે, ભીડે તેની સાથે દુર્વ્યવહાર કર્યો હતો. આ દરમિયાન તેની સાથે દુષ્કર્મ પણ થઈ શકયું હોત. અમીષા દ્વારા બહાર પાડવામાં આવેલા ઓડિયોના આધારે આ ઘટનાની ભારે નિંદા કરવામાં આવી હતી.