નવી દિલ્હી: દિલ્હી હાઈકોર્ટે ગંગા રામ હોસ્પિટલ સામે FIR રદ કરવા દાખલ કરેલી અરજીની સુનાવણી કરતા દિલ્હી સરકારને નોટિસ ફટકારી છે. જસ્ટિસ ડી.એન.પટેલની અધ્યક્ષતાવાળી ખંડપીઠે દિલ્હી સરકારને 4 અઠવાડિયામાં જવાબ રજૂ કરવા નિર્દેશ આપ્યો છે. આ કેસની આગામી સુનાવણી 11 ઓગસ્ટે થશે.
તપાસ પર રોક લગાવા બાબતે 16એ સુનાવણી
હાઈકોર્ટ આવતીકાલે એટલે કે 16 જૂને FIR પર તપાસને લગતી હોસ્પિટલની અરજી પર સુનાવણી કરશે. સુનાવણી દરમિયાન ગંગારામ હોસ્પિટલે FIR પર તપાસ બંધ કરવાની માંગ કરી હતી. 16 જૂને કોર્ટે દિલ્હી સરકાર વતી આ મામલે બંને પક્ષોની દલીલો સાંભળવાનો સમય આપ્યો હતો.
દિલ્હી સરકારના આદેશ પર FIR નોંધાઈ
હોસ્પિટલ વિરુદ્ધ કોરોના મામલે બેદરકારીના આરોપ હેઠળ 3 જૂને FIR દાખલ કરવામાં આવી હતી. દિલ્હી સરકારે માહામારી એક્ટના ભંગ બદલ ગંગારામ હોસ્પિટલ પર FIR નોંધવા આદેશ આપ્યો છે. હોસ્પિટલ વિરુદ્ધ કોરોનાને લઇને જાહેર કરાયેલી માર્ગદર્શિકાના ભંગ બદલ ભારતીય દંડ સંહિતાની કલમ 188 હેઠળ FIR નોંધવામાં આવી છે.
ટેસ્ટિંગ એપ્લિકેશનનો ઉપયોગ ન કરવાનો આરોપ
હોસ્પિટલ પર કોરોના ટેસ્ટિંગ એપ્લિકેશનનો ઉપયોગ ન કરવાનો આરોપ છે. FIRમાં કહેવામાં આવ્યું છે કે, હોસ્પિટલોએ આરોગ્ય મંત્રાલયની માર્ગદર્શિકાનું પાલન કરવું અને ફક્ત આરટી પીસીઆર એપ્લિકેશન દ્વારા જ નમૂનાઓ એકત્રિત કરવા ફરજિયાત છે. ગંગા રામ હોસ્પિટલે સેમ્પલો એકત્રિત કરવા માટે આરટી પીસીઆર એપ્લિકેશનનો ઉપયોગ કર્યો ન હતો. હોસ્પિટલ પર આરોપ છે કે લોકોને સુવિધાઓ આપવામાં આવતી નથી. હોસ્પિટલ પર કોરોના દર્દીઓને ન રાખવાનો અને બેડનું બ્લેક માર્કેટિંગ કરવાનો આરોપ છે.