નવી દિલ્હીઃ દિલ્હીની સબ રજિસ્ટ્રાર ઓફિસોમાં કોરોનાને લીધે રજિસ્ટ્રેશનની પ્રક્રિયાઓ ઠપ્પ થઈ ગઈ છે. જેથી પક્ષકારોને ખૂબ જ નુકસાન થઇ રહ્યું છે. વિવિધ પ્રકારના કરારનામાં તેમજ વસિયતનામા જેવા દસ્તાવેજોની નોંધણી પ્રક્રિયાઓ પણ થઇ રહી નથી.
આથી દિલ્હી હાઇકોર્ટમાં આ પ્રક્રિયાઓ ઓનલાઇન કરવાની માગ કરતી અરજી દાખલ કરવામાં આવી છે. જે અંગે હાઈકોર્ટ દ્વારા દિલ્હી સરકારને નોટિસ પાઠવી 23 જુલાઈ સુધીમાં જવાબ માંગ્યો છે.
અરજીમાં જણાવવામાં આવ્યું છે કે, દિલ્હીમાં આવી કુલ 22 રજિસ્ટ્રાર ઓફિસો છે. જ્યાં સંપત્તિના દસ્તાવેજોની નોંધણી કરાવવામાં આવે છે. રોજના સરેરાશ 300 લોકોની હાજરી આ ઓફીસોમાં જોવા મળે છે. દરેક સંપત્તિની રજિસ્ટ્રેશનની પ્રક્રિયામાં બે પક્ષકાર અને બે સાક્ષી હોય છે. આમ અનેક પ્રક્રિયાઓમાં લોકો ઉપસ્થિત હોવાથી કોરોના સંક્રમણ વધવાની શક્યતા રહે છે.
આવા સંજોગોમાં દસ્તાવેજોના ઇ-રજિસ્ટ્રેશન દ્વારા ઓફિસોમાં લોકોની ભીડ ઓછી થશે તેમજ કોરોનાનું જોખમ ઘટશે. વસિયતનામાની નોંધણી વખતે પક્ષકારો વર્ચ્યુઅલી ઉપસ્થિત રહી નોંધણી કરાવી શકશે.