2014ની ચૂંટણીમાં ભાજપે વિદ્યા ઠાકુર, મોહિત કંબોઝ, અમરજીત સિંહ અને સુનીલ યાદવ સહિત ચાર લોકોને ટિકિટ આપી હતી. તો કોંગ્રેસે પણ અડધા ડઝનથી પણ વધારે ઉમેદવારોને ચૂંટણી મેદાનમાં ઉતાર્યા હતાં. પણ આ વખતે ભાજપે ફક્ત ત્રણ ઉત્તર ભારતીય અથવા હિન્દી ભાષી નેતાઓને ટિકિટ આપી છે. જેમાં મલાડ પશ્ચિમથી રમેશ સિંહ ઠાકુર અને ગોરેગાંવથી વિદ્યા ઠાકુર ઉત્તર ભારતીય નેતા છે. મંગલ પ્રભાત લોઢાની ગણતરી હિન્દી ભાષી નેતા તરીકે થાય છે.
ટિકિટની રેસમાં જોડાયેલા મુંબઈ ભાજપના મહાસચિવ અમરજીત મિશ્રા, પૂર્વ ધારાસભ્ય રાજહંસ સિંહ, બે વાર ધારાસભ્ય રહેલા અભિરામ સિંહ, સંજય પાંડેય, મોહિત કંબોઝ, સુનીલ યાદ જેવા કેટલાય ઉત્તર ભારતીય ચહેરાઓને ભાજપમાંથી હાથ ખંખેરવાનો વારો આવ્યો છે. જેને લઈ સમર્થકોમાં પણ ઘણી નારાજગી જોવા મળી રહી છે.
આ બાજુ કોંગ્રેસે પણ ફક્ત પાંચ હિન્દી ભાષી નેતાઓને જ ટિકિટ આપી છે. જેમાં ઘાટકોપર પશ્ચિમથી યશોભૂમિ અખબારના સંપાદક આનંદ શુક્લા, કાંદિવલી પૂર્વથી અજંતા યાદવ, મુલુંડથી ગોવિંદ સિંહ, માલાડ પશ્ચિમથી અસલમ શેખ અને ચાંદિવલીથી નસીમ ખાન સામેલ છે.
આ ચૂંટણીમાં ઉત્તર ભારતીયોને ઓછી ટિકિટ મળવા પાછળનું કારણ ગઠબંધન પણ હોય શકે છે. કહેવાય છે કે, 2014માં ભાજપ અને શિવસેના અલગ અલગ ચૂંટણી લડી હતી. પણ આ વખતે ગઠબંધનને કારણે મુંબઈની ઉત્તર ભારતીય જનસંખ્યાવાળા વિસ્તારોમાં 36માંથી મોટા ભાગની સીટો શિવસેના પાસે જતી રહી છે. જેને કારણે ભાજપ પાસે ઉત્તર ભારતીયોને ટિકિટ આપવાનો મોકો ઓછો મળ્યો. તેવું લાગી રહ્યું હતું કે, કોંગ્રેસ પોતાની પરંપરા પ્રમાણે આ વખતે ઉત્તર ભારતીયોના મત મેળવવા વધુ ટિકિટ આપી શકે છે, પણ એવું ન બન્યું.
હકીકતમાં જોઈએ તો ઉત્તર પ્રદેશ, બિહાર જેવા રાજ્યોમાંથી મહારાષ્ટ્રમાં આવેલા લગભગ 40 લાખ લોકો વસવાટ કરે છે. 2014 પહેલા આ લોકો કોંગ્રેસના મતદારો હતાં. પણ 2014માં આ તમામ જગ્યાએ બદલાવ આવ્યો. લોકસભા ચૂંટણીમાં મોદી લહેરના કારણે તમામ સમીકરણો બદલાઈ ગયા. વર્ષ 2014 અને 2019ની ચૂંટણીના પરિણામો જોતા લાગે છે કે, ઉત્તર ભારતીય મતદારોએ કોંગ્રેસનો હાથ ધીમે ધીમે છોડતા જાય છે, ત્યારે આવા સમયે અનેક નેતાઓ કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાયા છે.
ઉદાહરણ તરીકે જોઈએ તો એક સમયે કોંગ્રેસની ટિકિટ પર ધારાસભ્ય રહેલા રાજહંસ સિંહ, રમેશ સિંહ હવે ભાજપમાં છે. ઉત્તર-ભારતીય નેતાઓમાં મોટુ નામ અને કોંગ્રેસ સરકારમાં મહારાષ્ટ્રના ગૃહ રાજ્યપ્રધાન રહેલા કૃપાશંકરે પણ હાલ પાર્ટી છોડી દીધી છે. તેથી કોંગ્રેસે પણ આ વખતે ઉત્તર ભારતીયોને ઓછી ટિકિટ આપી છે.