નવી દિલ્હીઃ કોંગ્રેસમાંથી રાજીનામું આપનારા જ્યોતિરાદિત્ય સિંધિયા મંગળવારે સાંજે ભાજપમાં જોડાશે. તેમના ભાજપમાં જોડાવવાની જાહેરાત બાદ પૂર્વ વિદેશ પ્રધાન નટવર સિંહે કહ્યું કે, તેમને આ વાતથી હેરાની નથી કે, જ્યોતિરાદિત્ય સિંધિયાએ કોંગ્રેસ છોડી દીધું.
નટવર સિંહે કહ્યું કે, મને લાગી રહ્યું છે કે, ભાજપ દ્વારા તેમને રાજ્યસભામાં મોકલવામાં આવશે. નટવર સિંહે કહ્યું કે, સિંધિયા અંદાજે 19 વર્ષથી રાજનીતિમાં છે, ભાજપે તેમના અનુભવનો યોગ્ય ઉપયોગ કરવો જોઈશે. તે સાંસદ અને પ્રધાન રહ્યા છે. પૂર્વ પ્રધાન નટવર સિંહે કહ્યું કે, મને આશા છે કે, ટૂંક સમયમાં જ્યોતિરાદિત્યને કેન્દ્રીય પ્રધાન બનાવવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, વારંવાર ઉપેક્ષા સહન કર્યા બાદ મંગળવારે જ્યોતિરાદિત્ય સિંધિયાએ કોંગ્રેસ છોડી દીધી છે, જેની સાથે જ મધ્યપ્રદેશની કમલનાથ સરકારની મુશ્કેલી વધી ગઈ છે.
જોકે, કોંગ્રેસે કહ્યું કે, પાર્ટી વિરોધી કામગીરીને લઇને તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. મધ્યપ્રદેશ કોંગ્રેસના 19 ધારાસભ્યો અને પ્રધાનોના બેંગુલુરૂમાં હોવાના સમાચાર આવ્યા છે. આ તમામ સિંધિયાના નજીકના હોવાનું જાણવા મળે છે. માનવામાં આવે છે કે, સિંધિયાના કોંગ્રેસમાંથી છુટા પડ્યા બાદ તેમના સમર્થક ધારાસભ્ય પણ તેમની સાથે જઇ શકે છે. આવી સ્થિતીમાં કમલનાથ સરકારના સમર્થકોની સંખ્યા ઓછી થવાનો ભય છે. રાજ્યમાં કોંગ્રેસ પાસે 114 ધારાસભ્ય છે અને તેને 4 અપક્ષ, બસપાના 2 અને સપાના 1 ધારાસભ્યનો ટેકો છે. જ્યારે ભાજપ પાસે 107 ધારાસભ્ય છે.