નવી દિલ્હી: નિર્ભયા કેસમાં ચારેય આરોપીની પાસે તમામ કાયદાકીય વિકલ્પ ખતમ થઈ ગયા છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે દોષિત પવન ગુપ્તાની દયા અરજી ફગાવી દીધી છે. રાષ્ટ્રપતિએ દયા અરજી ફગાવી દેતા હવે આરોપીની ફાંસીનો રસ્તો ક્લિયર થઈ ગયો છે.
નીચલી કોર્ટથી લઈને સુપ્રીમ કોર્ટ સુધી ચારેય આરોપી મુકેશ, અક્ષય, વિનય અને પવનને ફાંસીની સજા થઈ ચૂકી છે. આ અગાઉ નિર્ભયા કેસના આરોપી પવન ગુપ્તાની ક્યુરેટિવ અરજીને સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી હતી. દોષિત પવને ફાંસીની સજાને ઉમરકેદમાં ફેરવવાની માંગણી કરી હતી.
2012માં ચકચાર મચાવેલા દિલ્હી ગેંગરેપ કેસના ચાર આરોપીમાંથી એક પવન કુમાર ગુપ્તાએ સુપ્રીમ કોર્ટમાં 28 ફેબ્રુઆરી 2020ના રોજ ક્યૂરેટિવ પિટિશન દાખલ કરી હતી. જેમાં પવન ગુપ્તાએ કોર્ટને પોતાની મોતની સજાને આજીવન કેદમાં બદલવાની અપીલ કરી હતી. આ ઉપરાંત ટ્રાયલ કોર્ટે ફાંસીની સજા સામે આપેલા બ્લેક વોરન્ટ સામે સ્ટે આપવાની પણ અરજીમાં માગ કરી હતી. જોકે, સોમવારના રોજ સુપ્રીમ કોર્ટે આ અરજી ફગાવી દીધી હતી.