નવી દિલ્હી: DMRC મેટ્રોના ચોથા તબક્કામાં નવો ઇતિહાસ રચવા જઈ રહી છે. આ તબક્કામાં, મેટ્રોનું સૌથી ઊંચુ પ્લેટફોર્મ બનાવવાનું લક્ષ્ય છે. અત્યાર સુધીમાં સૌથી ઊંચુ પ્લેટફોર્મ મયુર વિહાર ફેઝ વનમાં છે, જેની 22 મીટર ઊંચાઈ છે. મેટ્રોના ચોથા તબક્કામાં સૂચિત નવા પ્લેટફોર્મનું લક્ષ્યાંક 23.5 મીટર રાખવાનું છે. મેટ્રો સ્ટેશનના નિર્માણ પછી, તે દિલ્હી મેટ્રો નેટવર્કનું સૌથી ઊંચુ પ્લેટફોર્મ હશે. ભારતમાં આટલી ઊંચાઇ પર એકપણ પ્લેટફોર્મ બનાવવામાં આવ્યું નથી. અહીં પહેલેથી જ એક મેટ્રો લાઇન પસાર થઈ રહી છે, જેના કારણે આ નવી મેટ્રો ઊંચાઇ પર બનાવવામાં આવી રહી છે.
2022 સુધીમાં આ મેટ્રો લાઈન તૈયાર થવાની સંભાવના છે.DMRC સૂત્રોના જણાવ્યા અનુસાર, જનકપુરી પશ્ચિમથી આરકે આશ્રમ વચ્ચે લગભગ 29 કિલોમીટર લાંબો કોરિડોર બનશે. જ્યાં મેટ્રો સ્ટેશન હશે. આ અંગે બાંધકામ શરૂ કરાયું છે અને તેને 2022 સુધીમાં પૂર્ણ કરવાનું લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યું છે. તે બોટનિકલ ગાર્ડનથી જનકપુરી પશ્ચિમ વચ્ચે ચાલતી મેટ્રોની મેજેન્ટા લાઇનનો વિસ્તાર છે. તેના પર કુલ 22 મેટ્રો સ્ટેશન બનાવવામાં આવશે. ડીએમઆરસી સૂત્રોના જણાવ્યા અનુસાર, આ લાઇન પરનો હૈદરપુર બાદલી મોડ એક ઇન્ટરચેંજ મેટ્રો સ્ટેશન હશે. આ સિવાય આ નેટવર્ક લાઇન પર અન્ય 5 ઇન્ટરચેંજ મેટ્રો સ્ટેશન બનાવવામાં આવશે.
DMRC સૂત્રોના જણાવ્યા અનુસાર, ફેઝ 4 માં બનાવવામાં આવનારી કુલ 62 કિમી લાંબી મેટ્રો લાઇન પર 45 મેટ્રો સ્ટેશનો બનાવવામાં આવશે. હાલમાં સરકાર દ્વારા આ તબક્કાના ત્રણ કોરિડોર પાસ કરવામાં આવ્યા છે. જ્યારે ત્રણ કોરિડોરનો પ્રસ્તાવ હજી બાકી છે.