દિલ્હી: ઈંદિરા ગાંધી આંતરરાષ્ટ્રીય એયરપોર્ટ પર તમામ આંતરરાષ્ટ્રીય ઉડાન બંધ કરવામાં આવી છે. દેશમાં વધી રેહલા કોરોનાના કેસને ધ્યાનમાં રાખીને આ નિર્ણય કરવામાં આવ્યો છે. જે લોકો વિદેશથી યાત્રા કરી આવે છે તે લોકોને કોરોના વાઇરસની અસર હોઇ શકે છે અને આ કારણે દેશમાં પણ કોરોના વધારે ન ફેલાય તેથી આ નિર્ણય કરવામાં આવ્યો છે.
કોરોના વાઇરસના વધતા કેસના કારણે મહારાષ્ટ્ર સરકાર બાદ દિલ્હી સરકારે પણ મહત્વનો નિર્ણય કર્યો છે. દિલ્હીમાં તમામ મોલ બંધ રાખવાની જાહેરાત મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ દ્વારા કરવામાં આવી છે. તેમણે કહ્યું કે પરિસ્થિતીને ધ્યાનમાં રાખીને મોલને બંધ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જોકે જરુરિયાતની વસ્તુઓને તેમાંથી બાકાત રાખવામાં આવી છે. દેશમાં કોરોના વાઇરસના કેસ વધી રહ્યા છે. દિલ્હીમાં પોઝિટિવ કેસની સંખ્યા 17 થઈ ગઇ છે.
દિલ્હી સરકારનો આ નિર્ણય મહારાષ્ટ્ર સરકારે લીધેલા પગલા બાદ આવ્યો છે. મહારાષ્ટ્ર સરકારે મુંબઈ મેટ્રોપોલિટન ક્ષેત્ર, પૂણે, પિંપરી-ચિંચવડ અને નાગપુરમાં જરૂરી સામાનની દુકાનો છોડીને તમામ દુકાનો બંધ કરવાનો નિર્ણય લીધો છે. રાજ્ય સરકારે કહ્યું કે, સરકારી ઓફિસોમાં માત્ર 25 ટકા કર્મચારીઓ જ કામ કરશે. ઉલ્લેખનીય છે કે, મહારાષ્ટ્રમાં ત્રણ વધુ કેસ પોઝીટિવ આવ્યા બાદ રાજ્યમાં કોરોના વાઇરસના કેસનો આંકડો 52 પહોંચી ગયો છે. રાજ્યના સ્વાસ્થ્ય પ્રધાને આ માહિતી આપી હતી.