કાઠમાંડુ: નેપાળના રાષ્ટ્રપતિ બિદ્યા દેવી ભંડારીએ ગુરુવારે દેશના નવા રાજકીય નકશાને બદલવા માટે બંધારણ સુધારણા બિલ પર હસ્તાક્ષર કર્યા છે, જેમાં વ્યૂહાત્મક ત્રણ ભારતીય ક્ષેત્રને આવરી લેવામાં આવ્યા છે. થોડા સમય પહેલા ભારતના વિરોધ છતાં નેપાળની સંસદે તેને મંજૂરી આપી હતી.
સમાચારો અનુસાર રાષ્ટ્રપતિ ભંડારીએ નેપાળના બંધારણના બીજા સુધારા બિલને મંજૂરી આપી દીધી છે.
તેઓએ બંધારણની કલમ 274 (10)માં સુધારા કરનારા બિલને મંજૂરી આપી હતી. આ સાથે, નવા નક્શાને લાગુ કરવાની પ્રક્રિયા સત્તાવાર રીતે પૂર્ણ થઈ ગઈ છે.
નેપાળના નવા નક્શામાં હવે લિંપિયાધુરા, લિપુલેખ અને કાલાપાની પ્રદેશોનો સમાવેશ કરશે.
ભારતે આ ક્ષેત્રો પર નેપાળના દાવાને અસ્વીકાર્ય અને કૃત્રિમ રીતે અતિશયોક્તિજનક ગણાવ્યા છે.
નેપાળે ગયા મહિને દેશના સુધારેલા રાજકીય અને વહીવટી નક્શાને બહાર પાડ્યો હતો.
નેપાળી સંસદના નીચલા ગૃહ બાદ આજે ઉપલા ગૃહએ પણ બંધારણ સુધારણા બિલને સર્વાનુમતે મંજૂરી આપી હતી.