ઉત્તરાખંડ: પિથૌરાગઢમાં ચીન સરહદને જોડતો લિપુલેખ રોડ બનાવ્યા બાદ સરહદ પર નેપાળી સુરક્ષા વ્યવસ્થા એલર્ટ કરી દેવામાં આવી છે. પિથૌરાગઢની ધારચુલા તાલુુકામાં કાલી નદીની આજુબાજુ છાંગારૂ નજીક વિવાદિત વિસ્તાર કલાપાની પર નજર રાખવા માટે નેપાળે એક BOP (બોર્ડર ઓબ્ઝર્વેશન પોસ્ટ) બનાવી છે.
આ BOPમાં ગોઠવાયેલા સુરક્ષા જવાનો હેલિકોપ્ટરની મદદથી પરિવહન કરી રહ્યા હોવાનું સામે આવ્યું છે. નેપાળ સરકારે ચીન સરહદને જોડતા લિપુલેખ રોડ સામે પોતાનો વિરોધ દર્શાવ્યો છે. જ્યારે પિથૌરાગઢ જિલ્લા કલેક્ટર વિજયકુમાર જોગંડેએ જણાવ્યું હતું કે, નેપાળ તરફથી સત્તાવાર રીતે BOP બનાવવા અંગે હજૂ સુધી કોઈ જાણ કરવામાં આવી નથી.
લિપુલેખ રોડ બન્યા બાદ કાલાપાની પર નજર રાખવા માટે નેપાળે છાંગારૂમાં એક BOP બનાવી છે. આ BOPમાં સશસ્ત્ર રક્ષકો અને નેપાળ ગાર્ડના 34 જવાનો ગોઠવવામાં આવ્યા છે. નેપાળ સરકારે કલાપાનીમાં ભારતીય પ્રવૃત્તિઓ પર નજર રાખવા માટે કાયમી સેના ગોઠવી છે.
ઉલ્લેખનીય છે કે, થોડા સમય પહેલા ભારત સરકારે ચીન સરહદને જોડતા લિપુલેખ રોડનું ઉદ્ઘાટન કર્યું હતું. જે કારણે નેપાળમાં ઘણી જગ્યાએ દેખાવો થઈ રહ્યા છે. આ બાબતને ધ્યાનમાં રાખીને નેપાળ સરકારે છાંગારૂમાં બોર્ડર ઓબ્ઝર્વેશન પોસ્ટ બનાવી છે. જે સાથે નેપાળ સરકાર સરહદ વિસ્તારમાં બીજી ચેકપોસ્ટ બનાવવા જઈ રહી છે.