નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે NEET અને JEEની પરીક્ષાઓને લઇને બિનભાજપ શાસિત રાજ્યોના પ્રધાનોની પુનર્વિચાર અરજી ફગાવી દીધી છે. જસ્ટિસ અશોક ભૂષણ, જસ્ટિસ બી. આર. ગવઈ અને જસ્ટિસ કૃષ્ણ મુરારીની ત્રણ સભ્યોની બેન્ચે પુનર્વિચાર અરજી પર સુનાવણી કરી હતી.
અરજી દાખલ કરનારાઓમાં પશ્ચિમ બંગાળના મલય ઘટક, ઝારખંડના રામેશ્વર ઓરાંવ, રાજસ્થાનના રઘુ શર્મા, છત્તીસગઢના અમરજીત ભગત, પંજાબના બી. એસ. સિદ્ધુ અને મહારાષ્ટ્રના ઉદય રવીન્દ્ર સાવંત સામેલ છે.
રાષ્ટ્રીય પરીક્ષા એજન્સી (NTA), જે JEE અને NEETની પરીક્ષાનું આયોજન કરતી હોય છે. JEE મુખ્ય પરીક્ષા 1 સપ્ટેમ્બરથી 6 સપ્ટેમ્બર સુધી યોજવામાં આવી રહી છે. જ્યારે NEETની પરીક્ષાનું આયોજન 13 સપ્ટેમ્બરે કરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે, સુપ્રીમ કોર્ટનો 17 ઓગસ્ટનો ચુકાદો હવે એક રાજકિય મુદ્દો બની ગયો છે. બિનભાજપ શાસિત 6 રાજ્યોના પ્રધાનોએ તેના પર પુનર્વિચાર માટે અરજી દાખલ કરી હતી. JEE અને NEETની પરીક્ષાઓને સ્થગિત કરવા માટે વિપક્ષી પાર્ટીઓ સતત વિરોધ પ્રદર્શન કરી રહી છે.