નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે શુક્રવારે એક અરજી પર સુનાવણી કરતાં કહ્યું કે કોરોના રોગચાળામાં મેડિકલ પ્રવેશની NEET પરીક્ષા વિદેશોમાં લેવાનું શક્ય નથી. હકીકતમાં, અન્ય દેશોમાં રહેતા વિદ્યાર્થીઓએ રોગચાળાને કારણે મધ્ય-પૂર્વ એશિયાના દેશોમાં પરીક્ષા કેન્દ્રો બનાવવાની માંગ કરી હતી. વિદ્યાર્થીઓએ કહ્યું છે કે કોરોના રોગચાળાને કારણે ઉદભવેલી પરિસ્થિતિ વચ્ચે તેઓ ભારત પ્રવાસ કરી શકશે નહીં.
જો કે કોર્ટે કહ્યું કે વિદ્યાર્થીઓ 'વંદે ભારત મિશન' દ્વારા ભારત આવી શકે છે.
NEET પરીક્ષા લેતી સંસ્થા, રાષ્ટ્રીય પરીક્ષણ એજન્સીએ અગાઉ કોર્ટને જાણ કરી હતી કે, તે પરીક્ષા પેપર બુક ફોર્મેટમાં લેવામાં આવતી હોવાથી વિદેશમાં પરીક્ષા લઇ શકતી નથી.
સોગંદનામામાં કહેવામાં આવ્યું હતું કે તમામ સ્થળોએ દસ્તાવેજોનું વહન કરવું શક્ય નહીં બને. NEET પરીક્ષા 13 સપ્ટેમ્બરના રોજ યોજાવાની છે. સુપ્રીમ કોર્ટે આ કેસમાં સુનાવણી 21 ઓગસ્ટ સુધી મુલતવી રાખી છે.
અંતિમ વર્ષની પરીક્ષા કેસમાં સુનાવણી18 ઓગસ્ટે
સુપ્રિમ કોર્ટે યુજીસી દ્વારા અંતિમ વર્ષની પરીક્ષા લેવાના મામલાને 18 ઓગસ્ટ માટે મોકૂફ રાખ્યો છે. દિલ્હી અને મહારાષ્ટ્ર પહેલા જ અંતિમ વર્ષની પરીક્ષાઓ રદ કરી ચૂકી છે, જેનો યુજીસીએ વિરોધ કર્યો છે.
વિદ્યાર્થીઓની તરફે એડવોકેટ એમ.સિંઘવી અને શ્યામ દિવાનની દલીલ હતી કે માર્ચ મહિનામાં કોરોના કેસ ઓછા હતા, ત્યારે પરીક્ષા યોજાઈ ન હતી, તો હવે કેસ લાખોમાં છે, તેથી પરીક્ષા કેવી રીતે લેવામાં આવશે.
એડવોકેટ દિવાનએ કહ્યું કે વિદ્યાર્થીઓએ દલીલ કરી હતી કે યુજીસી આરોગ્યના જોખમો, પરિવહનના પ્રશ્નો અને પૂરના પ્રશ્નોની કાળજી નથી લઇ રહ્યા.