નવી દિલ્હીઃ દિલ્હી સ્થિત નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરો (NCB)એ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના મોત મામલે એફઆઈઆર નોંધી છે. આ કેસમાં ડ્રગ કનેક્શનને લઈને એફઆઈઆર કરવામાં આવી છે. નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોના સૂત્રોએ જણાવ્યું હતું કે, તેઓએ કલમ 20બી, 28 અને 29 હેઠળ એફઆઈઆર દાખલ કરી છે. એનસીબી આ સમગ્ર મામલાની તપાસ કરી રહી છે અને જેમની સામે પુરાવા મળશે તેની ધરપકડ કરવામાં આવશે.
મળતી માહિતી મુજબ સુશાંતસિંહ રાજપૂતનાં મોત મામલે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા જ્યારે આ મામલાની તપાસ કરવામાં આવી હતી. ત્યારે તથ્યો બહાર આવ્યા હતા કે, આ કેસમાં ડ્રગ્સ કનેક્શન છે. આને લગતી કેટલીક ચેટ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટને મળી હતી, જે પહેલા ડિલિટ કરવામાં આવી હતી. આ ચેટના આધારે ઈડીએ એક પત્ર લખીને સમગ્ર મામલા અંગે નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરોને માહિતી આપી હતી. આ આધાર બનાવીને હવે નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરોએ એફઆઈઆર નોંધીને તપાસ શરૂ કરી છે. સૂત્રો કહે છે કે, રિયા અને આ ચેટમાં સામેલ લોકો સામે એફઆઈઆર નોંધાઈ છે.
આ કેસની તપાસ દરમિયાન, ડ્રગ્સ કનેક્શનની તપાસ નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરો દ્વારા કરવામાં આવશે. આ માટે એનસીબીની ટીમ અભિનેત્રી રિયા ચક્રવર્તી સહિત કેટલાક લોકોની પૂછપરછ કરી શકે છે. આ પછી જ સ્પષ્ટ થશે કે ડ્રગ્સ કનેક્શન સાથે કોણ જોડાયેલું છે.