કોલકાતા: ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડ્ડાએ કહ્યું કે જનસંઘના સ્થાપક શ્યામા પ્રસાદ મુખર્જીએ જવાહરલાલ નહેરુના તુષ્ટિકરણના રાજકારણનો વિરોધ કર્યો હતો. તેમણે વધુમાં કહ્યું કે, 'આજે મારું સૌભાગ્ય છે કે ડૉ શ્યામા પ્રસાદ મુખર્જીની 119 મી જન્મજયંતિ નિમિત્તે બંગાળના લોકો સાથે વાત કરવાની તક મળી.'
કેન્દ્ર સરકારના નિર્ણયનો ઉલ્લેખ કરતા નડ્ડાએ કહ્યું, ' આ ખુશીની વાત એટલે છે કે જે માટે ડૉ મુખર્જીએ પોતાનું સર્વોચ્ચ બલિદાન આપ્યું હતું એ કલમ 370ને મોદી સરકારે નાબૂદ કરી દીધી છે.
નડ્ડાએ કહ્યું કે બંગાળને રાજકીય અને શિક્ષણના દૃષ્ટિકોણથી ઉંચે લાવવું પડશે. વર્તમાન સરકાર, તેને દરેક રીતે નુકસાન પહોંચાડી રહી છે, તે સરકારને બહાર કરવી પડશે.
શ્યામા પ્રસાદ મુખર્જીના જીવનકાળનો ઉલ્લેખ કરતા નડ્ડાએ કહ્યું, "આપણે દેશભક્ત, મહાન શિક્ષણશાસ્ત્રી, તેજસ્વી રાજકારણી અને પ્રખર સંસદસભ્ય તરીકે પૂજ્ય ડો. મુખર્જીને જાણીએ છીએ." તેમણે કહ્યું કે ખંડિત ભારતમાં અખંડિતતા માટે લડનારા તે પ્રથમ વ્યક્તિ હતા.