નવી દિલ્હી: મ્યાનમાર સેનાએ શુક્રવારે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોવલની દેખરેખ હેઠળ કરવામાં આવેલી ગુપ્ત કાર્યવાહીમાં NDFB(S)ના સ્વઘોષિત ગૃહ સચિવ રાજેન ડાયમારી સહિત ઉત્તર પૂર્વના 22 બળવાખોરોને શુક્રવારે ભારતને સોંપ્યા હતા. આ બાબતે અધિકારીઓએ સત્તાવાર જાહેરાત કરી હતી.
અધિકારીઓએ જણાવ્યું હતું કે, વિદ્રોહીઓને ખાસ વિમાન મારફતે ભારત પરત લાવવામાં આવ્યા હતા. મણિપુર અને આસામમાં તેમને પોલીસને હવાલે કરવામાં આવ્યા હતા.
ડોવલના નેતૃત્વમાં આ ઘટનાને અભૂતપૂર્વ રાજનૈતિક સફળતા ગણવામાં આવે છે. મ્યાનમારની સેના સાથે ચર્ચા વિચારણા કરવામાં આવી રહી હતી. જેના પરિણામે ભારતના પૂર્વી પાડોશી દેશ દ્વારા વિદ્રોહીઓનું પ્રથમ સ્થાનાંતરણ કરવામાં આવ્યું હતું.
બંને દેશો વચ્ચે રાજકીય અને લશ્કરી સંબંધો વધુ ગાઢ બનાવવાની પણ આ વાતની નિશાની છે. જેમાંથી 10 વિદ્રોહી મણિપુરમાં વોન્ટેડ છે. જ્યારે બાકીના આસામમાં વોન્ટેડ છે. પોલીસ કોરોના વાઈરસ રોગચાળાને પગલે ક્વોરેન્ટાઈન સહિતના તમામ આરોગ્ય પ્રોટોકોલોને ધ્યાનમાં રાખીને કાર્યવાહી કરશે.